પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB હવે કેટલાક મોટા નિર્ણયો લેવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. ટીમના સતત નબળા પ્રદર્શન અને ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણયો પર ઉઠી રહેલા સવાલો વચ્ચે PCBના અધ્યક્ષ મોહસિન નકવી પસંદગી સમિતિથી લઈને કોચિંગ વ્યવસ્થા સુધીમાં ફેરફાર કરી શકે છે. પૂર્વ ટેસ્ટ ક્રિકેટર આકિબ જાવેદને સિનિયર પસંદગીકારના પદ પરથી હટાવવામાં આવી શકે છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર વહાબ રિયાઝની પણ પાકિસ્તાન મહિલા ટીમના માર્ગદર્શક તરીકેની જવાબદારી છીનવાઈ શકે છે. PCB હવે ટીમના પ્રદર્શનને સુધારવા માટે નવી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં વિચાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.

મોહસિન નકવી લઈ શકે છે મોટા નિર્ણયો

PCB સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે,મોહસિન નકવીને હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટના ખરાબ સમયને રોકવા માટે કેટલાક કડક પગલાં જરૂરી છે. આ કારણે પસંદગી પ્રક્રિયા અને ટીમ વ્યવસ્થાપન સાથે જોડાયેલા ફેરફારો અંગે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.અંતિમ નિર્ણય લેતા પહેલાં નકવી પોતાના નજીકના અધિકારીઓ સાથે બેઠક કરશે.આ ઉપરાંત PCBની સંચાલન સમિતિના સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવશે. આ બેઠક બાદ જ આકિબ જાવેદ અને વહાબ રિયાઝના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Aqib Javed and Wahab Riaz

આકિબ જાવેદની ભૂમિકા પર સવાલ

આકિબ જાવેદ છેલ્લા લગભગ 2 વર્ષથી પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.ટીમની પસંદગીથી લઈને કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા અનેક નિર્ણયો દરમિયાન તેમનું નામ સામે આવ્યું છે.ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બીજા ટેસ્ટ બાદ પાકિસ્તાન ટીમ અને કોચિંગ સ્ટાફમાં અચાનક મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયમાં પણ આકિબ જાવેદની ભૂમિકા ચર્ચામાં રહી હતી.જોકે,ત્યારબાદ પાકિસ્તાન ટીમમાં વારંવાર કેપ્ટન અને કોચ બદલાતા રહેતા તેમની કાર્યશૈલી પર સવાલો ઉઠ્યા હતા.

વહાબ રિયાઝની પણ થઈ શકે છે વિદાય

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વહાબ રિયાઝ છેલ્લા વર્ષથી પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સાથે માર્ગદર્શક તરીકે કામ કરી રહ્યા છે. જોકે, PCB હવે આ જવાબદારીમાં પણ ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે.મીડિયારિપોર્ટ અનુસાર એશિયન ગેમ્સ બાદ મહિલા ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે. PCB મહિલા ટીમ માટે નવા વિદેશી મુખ્ય કોચની શોધ પણ કરી રહ્યું છે અને કેટલાક ઉમેદવારો સાથે વાતચીત ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

માઇક હેસનની નવી ભૂમિકા?

પાકિસ્તાનના સફેદ બોલના મુખ્ય કોચ માઇક હેસન પણ ટેસ્ટ ટીમની જવાબદારી સંભાળવા માટે તૈયાર હોવાનું કહેવાય છે. જોકે, તેમણે બોર્ડ સામે પોતાની કેટલીક શરતો મૂકી હોવાનું માનવામાં આવે છે.હેસન રેડ-બોલ ક્રિકેટમાં સુધારા માટે પૂરતો સમય અને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે. તેઓ લાંબા ગાળાની યોજના સાથે કામ કરવા માંગે છે અને ટીમમાં સુધારા માટે બોર્ડની દખલગીરી વગર કામ કરવાની ખાતરી ઇચ્છે છે.

ખરાબ પરિણામોથી PCB પર દબાણ

પાકિસ્તાન ટીમના તાજેતરના પરિણામોએ PCBનું દબાણ વધાર્યું છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો થયા બાદ પાકિસ્તાનને ઇંગ્લેન્ડમાં 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.આ હાર બાદ ટીમની રણનીતિ, પસંદગી પ્રક્રિયા અને PCBની નીતિઓ પર સવાલો ઉઠ્યા છે. હવે મોહસિન નકવી કયા મોટા નિર્ણયો લે છે અને આકિબ જાવેદ તથા વહાબ રિયાઝને પોતાની જવાબદારી પર જાળવી રાખવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - Asia Cup Trophy Row : ટ્રોફી વિવાદ પર BCCIના ઉપાધ્યક્ષનું ચોકવનારું નિવેદન