ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં બે મહત્વની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. બોર્ડે સિનિયર મહિલા ક્રિકેટ ટીમ માટે ફિલ્ડિંગ કોચ અને સિનિયર પુરુષ ટીમ માટે હેડ ફિઝિયોથેરાપિસ્ટની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ બંને જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 નવેમ્બર 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકશે. BCCIએ 3 નવેમ્બરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. પસંદગી પહેલાં અરજીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ટૂંકી યાદીમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે.

મહિલા ટીમ માટે ફિલ્ડિંગ કોચની ભરતી

ભારતીય મહિલા ટીમના ફિલ્ડિંગ કોચની જવાબદારી ત્રણેય ફોર્મેટમાં ખેલાડીઓના ફિલ્ડિંગ પ્રદર્શનને સુધારવાની રહેશે. પસંદ થનારા કોચે ટીમ માટે ફિલ્ડિંગની તાલીમનું આયોજન કરવાનું રહેશે. આ ઉપરાંત ખેલાડીઓની વ્યક્તિગત નબળાઈઓ અને મજબૂતાઈઓનું વિશ્લેષણ કરીને તેમના પ્રદર્શનમાં સુધારો લાવવાનો રહેશે.

આ જગ્યા માટે ઉમેદવાર નીચેની ત્રણમાંથી ઓછામાં ઓછી એક લાયકાત ધરાવતો હોવો જોઈએ:

• ભારત અથવા અન્ય દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હોવો જોઈએ.

• BCCIનું ઓછામાં ઓછું લેવલ-B કોચિંગ સર્ટિફિકેટ અથવા સમકક્ષ માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને ઓછામાં ઓછી 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવી જોઈએ.

• આંતરરાષ્ટ્રીય ટીમને ઓછામાં ઓછી એક સિઝન અથવા T20 ફ્રેન્ચાઇઝી/રાજ્યની ટીમને ઓછામાં ઓછી બે સિઝન કોચિંગ આપ્યું હોવું જોઈએ.

પુરુષ ટીમ માટે હેડ ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા

BCCIએ ભારતીય પુરુષ ટીમ માટે હેડ ફિઝિયોથેરાપિસ્ટની પણ ભરતી જાહેર કરી છે. આ પદ પર પસંદ થનારી વ્યક્તિ ખેલાડીઓની ઈજાની સારવાર, ઈજા થતી અટકાવવાના ઉપાયો અને ફિટનેસ સુધારવાની જવાબદારી સંભાળશે. આ પદ માટે સ્પોર્ટ્સ અથવા મસ્ક્યુલોસ્કેલેટલ ફિઝિયોથેરાપી, સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝ મેડિસિન અથવા સ્પોર્ટ્સ રિહેબિલિટેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત જરૂરી છે. સાથે ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉચ્ચ સ્તરના ખેલાડીઓ અથવા ટીમ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળી શકે છે. ઉમેદવાર પાસે ઈજાનું નિદાન, સારવાર, પુનર્વસન અને ખેલાડીને ફરીથી રમવા માટે તૈયાર કરવાની પ્રક્રિયાનો અનુભવ હોવો પણ જરૂરી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ અને ટ્રોમા મેનેજમેન્ટની તાલીમ પૂર્ણ કરેલી હોવી જોઈએ.

અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર

બંને જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી છે. ઉમેદવારોએ BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી સંબંધિત અરજી લિંક મારફતે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બોર્ડ અરજીઓની ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે.

આ બંને જગ્યાઓ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને ખેલાડીઓની ફિટનેસ સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી પસંદ થનારા સ્ટાફની જવાબદારી મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો: IPL 2027 પહેલાં PBKSનો મોટો ટ્રેડ પ્લાન! માર્કસ સ્ટોઇનિસના બદલામાં આ ભારતીય બોલરને લાવશે?