IPL 2027ની હરાજી પહેલાં ટીમોમાં ખેલાડીઓની અદલાબદલીને લઈને હલચલ વધી ગઈ છે. આ દરમિયાન પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક સંભવિત ટ્રેડની ચર્ચા સામે આવી છે. અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસના બદલામાં લખનઉના ડાબોડી ફાસ્ટ બોલર મોહસિન ખાનને પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે.
મોહસિન ખાન માટે પંજાબનો પ્રયાસ
પંજાબ કિંગ્સને આગામી સિઝન માટે ડાબોડી ફાસ્ટ બોલરની જરૂરિયાત છે. અહેવાલ મુજબ, ટીમ મેનેજમેન્ટ મોહસિન ખાનને આ ભૂમિકા માટે યોગ્ય વિકલ્પ માની રહ્યું છે. મોહસિન લખનઉની ટીમ સાથે 2022થી જોડાયેલો છે અને IPLમાં અત્યાર સુધી 31 મેચમાં 38 વિકેટ ઝડપી ચૂક્યો છે. મોહસિને IPL 2022માં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે પોતાની પહેલી જ સિઝનમાં 9 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. તેની ઝડપી બોલિંગ અને ડાબા હાથના એંગલને કારણે તે ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, તેની ફિટનેસ પણ આ સંભવિત ટ્રેડમાં મહત્વનો મુદ્દો રહેશે.
સ્ટોઇનિસ ફરી લખનઉમાં જઈ શકે છે
બીજી તરફ, માર્કસ સ્ટોઇનિસ અગાઉ 2022થી 2024 સુધી લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમ્યો હતો. ત્યારબાદ 2025ની હરાજીમાં પંજાબ કિંગ્સે તેને ₹11 કરોડમાં ખરીદ્યો હતો. IPL 2026માં સ્ટોઇનિસે 13 મેચમાં 216 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 180 રહ્યો હતો. તેણે 2 વિકેટ પણ ઝડપી હતી. હવે જો મોહસિન અને સ્ટોઇનિસ વચ્ચે ટ્રેડ થાય, તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ફરી એકવાર લખનઉની ટીમમાં જોવા મળી શકે છે.
પંજાબમાં અન્ય ટ્રેડની ચર્ચા પણ તેજ
પંજાબ કિંગ્સનું નામ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે જોડાયેલી સંભવિત ટ્રેડ ચર્ચામાં પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, હાર્દિકને પંજાબમાં લાવવા માટે અર્શદીપ સિંહ અને વિષ્ણુ વિનોદના નામની ચર્ચા થઈ રહી છે. જો આ સોદો આગળ વધે, તો પંજાબને અર્શદીપના વિકલ્પ તરીકે મોહસિન જેવા ડાબોડી બોલરની જરૂર પડી શકે છે. IPL 2027 માટે ખેલાડીઓની રિટેન્શન યાદી સબમિટ કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. આ પહેલાં ટીમો વચ્ચે ટ્રેડની વાતચીત આગળ વધી શકે છે. જોકે, સ્ટોઇનિસ અને મોહસિન વચ્ચેના સંભવિત સોદા અંગે બંને ફ્રેન્ચાઇઝી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: IPL 2027: ₹13 કરોડના સ્ટાર ઓલરાઉન્ડર પર CSK ની નજર: શું IPL ની આગામી સિઝન પહેલાં થશે મોટો ટ્રેડ ધડાકો?