ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટર જો રૂટે શ્રીલંકા સામેની પ્રથમ ODI મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ પોતાના નામે વધુ એક મોટી સિદ્ધિ નોંધાવી છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ઈંગ્લેન્ડને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ જો રૂટ બેટિંગ કરવા આવ્યો અને પોતાની ઇનિંગમાં 3 રન બનાવતાની સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23,000 રન પૂર્ણ કરી લીધા.આ સાથે જો રૂટ ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23,000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટર બની ગયો છે. તે ઉપરાંત, રૂટ આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો માત્ર 8મો ક્રિકેટર છે. તેણે ટેસ્ટ, ODI અને T20I ત્રણેય ફોર્મેટને મળીને આ આંકડો પાર કર્યો છે.
સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં રૂટની એન્ટ્રી
23,000 આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કરનાર ખેલાડીઓની યાદીમાં ભારતના મહાન બેટર સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 34,357 રન બનાવ્યા છે.આ યાદીમાં વિરાટ કોહલી 28,359 રન સાથે બીજા સ્થાને છે. શ્રીલંકાના કુમાર સંગાકારા 28,016 રન સાથે ત્રીજા અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 27,483 રન સાથે ચોથા સ્થાને છે.શ્રીલંકાના મહેલા જયવર્ધનેના નામે 25,957 રન છે.દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,534 રન બનાવ્યા છે, જ્યારે ભારતના રાહુલ દ્રવિડના નામે 24,208 રન છે. હવે જો રૂટે પણ આ ખાસ ક્લબમાં સ્થાન બનાવી લીધું છે.
