ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી બીજી વનડેમાં જો રૂટે શાનદાર બેટિંગની સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો.તેણે આ મેચમાં બે શાનદાર કેચ ઝડપ્યા હતા.આ સાથે જ જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં સાતમા ક્રમે પહોંચી ગયો છે.ખાસ વાત એ છે કે તેણે ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે.
જો રૂટે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે એડિલેડમાં બીજી વનડે રમાઈ હતી.આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 356 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી.જોકે,ઇંગ્લેન્ડના બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું.મેચની શરૂઆતની ચાર ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાએ બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.ખાસ વાત એ હતી કે આ બંને કેચ જો રૂટે ઝડપ્યા હતા.તેણે સૌપ્રથમ ટ્રેવિસ હેડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શનો શાનદાર કેચ પકડ્યો હતો.આ બે કેચ સાથે જ જો રૂટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 335 કેચ પૂરા કર્યા હતા.તેણે ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે.દ્રવિડે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 509 મેચમાં કુલ 334 કેચ ઝડપ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનારા ખેલાડીઓ
જો રૂટ હવે આ યાદીમાં સાતમા ક્રમે પહોંચી ગયો છે.તેણે અત્યાર સુધી 402 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 335 કેચ ઝડપ્યા છે.તેના ફોર્મેટ પ્રમાણેના કેચની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં 220,વનડેમાં 97 અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 કેચ ઝડપ્યા છે.આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને પ્રથમ ક્રમે છે.તેણે 652 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 440 કેચ ઝડપ્યા છે.તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400થી વધુ કેચ ઝડપનાર એકમાત્ર ખેલાડી છે.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 364 કેચ સાથે બીજા ક્રમે છે.
જો રૂટે બેટથી પણ બતાવ્યો કમાલ
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં જો રૂટે માત્ર ફિલ્ડિંગમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 68 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી.આ તેની વનડે કારકિર્દીની 50મી અડધી સદી હતી. આ સાથે જ જો રૂટ ઇંગ્લેન્ડ માટે વનડે ક્રિકેટમાં 50 અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.જો રૂટે વર્ષ 2013માં વનડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તેણે સતત શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની બેટિંગને મજબૂતી આપી છે.
આ દિગ્ગજોએ પણ વનડેમાં ફટકારી છે 50 અડધી સદી
વનડે ક્રિકેટમાં 50 અડધી સદી ફટકારવી કોઈ સામાન્ય સિદ્ધિ નથી.વેસ્ટ ઇન્ડિઝના ડેસમંડ હેન્સે 1993માં સૌપ્રથમ આ સિદ્ધિ મેળવી હતી.ભારત તરફથી મોહમ્મદ અઝહરુદ્દીને 1998માં અને ઓસ્ટ્રેલિયા તરફથી માર્ક વોએ 2002માં આ સિદ્ધિ મેળવી હતી.હવે જો રૂટે પણ ઇંગ્લેન્ડ તરફથી આ ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે.આમ,જો રૂટે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી છે.એક તરફ તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડીને સૌથી વધુ કેચ ઝડપનારા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું,તો બીજી તરફ વનડેમાં 50 અડધી સદી ફટકારનાર પ્રથમ ઇંગ્લિશ બેટ્સમેન બન્યો છે.
આ પણ વાંચો -IPL 2027 Captaincy : રોહિતથી લઈને પંત સુધી, IPLની 4 ટીમોમાં કેપ્ટનશિપ માટે મહાસંગ્રામ!