ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી 3 મેચની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ પહેલાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે.વિકેટકીપર બેટર જોસ બટલર ઈજાના કારણે 27 સપ્ટેમ્બરે રમાનારી ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ડેન લૉરેન્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.29 વર્ષીય ડેન લૉરેન્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9000થી વધુ રન બનાવ્યા છે. હવે તેને બટલરના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, ત્રીજી વનડેમાં તેને અંતિમ 11માં તક મળશે કે નહીં તે જોવાનું રહેશે.
બીજી વનડે દરમિયાન બટલરને ઈજા થઈ
જૉસ બટલરને હેડિંગ્લેમાં રમાયેલી બીજી વનડે દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. શ્રીલંકાએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે બટલર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ ઈજાના કારણે 38મી ઓવરમાં તેને મેદાન છોડવું પડ્યું હતું.તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 254/4 હતો. ત્યારબાદ બટલર 48મી ઓવરમાં ફરી બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો, પરંતુ તે વધુ યોગદાન આપી શક્યો નહોતો અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો.બટલરના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી ગઈ હતી અને અંતે ટીમને શ્રીલંકા સામે 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
બટલરે ફટકાર્યા હતા 69 રન
બીજી વનડેમાં બટલરે ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 49 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.આ દરમિયાન બટલરે વનડે કારકિર્દીની 30મી અડધી સદી પૂરી કરી હતી. અત્યાર સુધી તેણે 204 વનડે મેચની 176 ઇનિંગ્સમાં 39.15ની સરેરાશથી 5678 રન બનાવ્યા છે. તેના નામે 11 સદી પણ નોંધાયેલી છે.આ ઇનિંગ્સ દરમિયાન બટલરે ઈંગ્લેન્ડ માટે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં 10,000 રન પણ પૂરા કર્યા હતા. તે ઈંગ્લેન્ડના મહત્વના વ્હાઇટ-બોલ બેટર્સમાંથી એક છે અને તેની ગેરહાજરી ત્રીજી વનડેમાં ટીમના બેટિંગ કોમ્બિનેશનને અસર કરી શકે છે.
ડેન લૉરેન્સને મળી તક
બટલરના સ્થાને ડેન લૉરેન્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લૉરેન્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9000થી વધુ રન બનાવ્યા છે અને લાંબા ફોર્મેટમાં તેનો અનુભવ ઘણો છે.હવે તેની સામે વનડે ટીમમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તક છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે, તો શ્રીલંકા સામેની નિર્ણાયક મેચમાં તે ઈંગ્લેન્ડ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.ત્રીજી વનડે 27 સપ્ટેમ્બરે રમાવાની છે અને બટલરની ઈજાને કારણે ઈંગ્લેન્ડના ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર જોવા મળશે.
આ પણ વાંચો - IND VS WI: પ્રથમ વનડેમાં કોહલી-જાડેજા રચશે ઈતિહાસ? આ 3 મોટા રેકોર્ડ...