ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.12 મે 2025ના રોજ વિરાટે પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં આવેલા આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.હવે ભારતને 1983નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવે વિરાટના નિવૃત્તિના નિર્ણય પર મોટું નિવેદન આપ્યું છે.તેમના મતે, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને મોટી ભૂલ કરી છે અને 10 વર્ષ પછી તેને આ નિર્ણયનો પસ્તાવો થશે.

'10 વર્ષ પછી વિરાટને પોતાના નિર્ણયનો પસ્તાવો થશે'

મીડ ડેના અહેવાલ પ્રમાણે કપિલ દેવે વિરાટ કોહલીના ટેસ્ટ સંન્યાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.તેમણે કહ્યું કે વિરાટે જે સમયે ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો તે યોગ્ય નહોતો.કપિલ દેવના જણાવ્યા પ્રમાણે,વિરાટની ફિટનેસ હજુ પણ શાનદાર છે.તે પોતાની ફિટનેસના આધારે યુવા ખેલાડીઓને પણ ટક્કર આપી શકે છે. તેમની દૃષ્ટિએ વિરાટ પાસે ટેસ્ટ ક્રિકેટમાં હજુ ઘણું યોગદાન આપવાની ક્ષમતા હતી.કપિલ દેવે કહ્યું હતું કે,વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈને સૌથી મોટી ભૂલ કરી છે.10 વર્ષ પછી જ્યારે તે પોતાના આ નિર્ણય વિશે વિચારશે ત્યારે તેને ચોક્કસ પસ્તાવો થશે.તેણે નિવૃત્તિ લેવી જોઈતી નહોતી.

'ગુસ્સામાં આવીને નિવૃત્તિ લેવી યોગ્ય નથી'

કપિલ દેવે વધુમાં કહ્યું કે વિરાટ કોહલી હજુ પણ 25 વર્ષના યુવા ખેલાડીને પડકાર આપી શકે છે.તેની ફિટનેસ અને રમવાની ક્ષમતા અન્ય ખેલાડીઓ કરતાં અલગ સ્તરની છે.તેમણે વિરાટને પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથનું ઉદાહરણ પણ આપ્યું હતું.કપિલ દેવના મતે,અમરનાથને ઘણી વખત ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા,પરંતુ તેમણે દરેક વખતે જોરદાર વાપસી કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.કપિલ દેવે કહ્યું કે ગુસ્સામાં આવીને નિવૃત્તિ લેવી યોગ્ય નથી.વિરાટે પણ મોહિન્દર અમરનાથની જેમ પડકારોનો સામનો કરીને વાપસી કરવાનો પ્રયાસ કરવો જોઈતો હતો.

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી રહી શાનદાર

વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા છે.તેણે ભારત માટે કુલ 123 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 9230 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 30 સદી પણ આવી હતી.વિરાટ કોહલી ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને છે. તેની આક્રમક બેટિંગ અને કેપ્ટનશિપના કારણે ભારતીય ટેસ્ટ ટીમને નવી ઓળખ મળી હતી.તેની નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો ખાલીપો સર્જાયો હતો.હવે કપિલ દેવના નિવેદન બાદ ફરી એકવાર વિરાટના ટેસ્ટ સંન્યાસ અંગે ચર્ચા શરૂ થઈ છે.

રોહિત શર્માના ભવિષ્ય અંગે પણ કપિલ દેવે કરી વાત

કપિલ દેવે માત્ર વિરાટ કોહલી જ નહીં, પરંતુ રોહિત શર્માના ભવિષ્ય અંગે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.વિરાટની જેમ રોહિત શર્મા પણ હવે માત્ર વનડે ક્રિકેટમાં રમી રહ્યો છે.રોહિતના ભવિષ્ય અંગે વાત કરતાં કપિલ દેવે કહ્યું કે જો તે રમી શકે છે તો તે સારી વાત છે.જોકે, અંતિમ નિર્ણય પસંદગીકારોના હાથમાં છે.તેઓ ભારતીય ક્રિકેટના હિતમાં જ નિર્ણય લેશે.કપિલ દેવના મતે,રોહિત શર્માએ લાંબા સમય સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.સચિન તેંડુલકર,સુનીલ ગાવસ્કર,એમએસ ધોની અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દીનો પણ એક સમયે અંત આવ્યો હતો.એ જ રીતે રોહિત શર્માની કારકિર્દીનો અંત પણ એક દિવસ આવશે.કપિલ દેવના આ નિવેદન બાદ હવે ક્રિકેટ ચાહકોમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો- Sanju Samsonની તોફાની બેટિંગથી બોલરોના ઉડ્યા હોશ, માત્ર 16 બોલમાં ફટકાર્યા 47 રન, કેરળની મોટી જીત