સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને પોતાની બેટિંગથી ધમાલ મચાવી છે.16 નવેમ્બરે કેરળ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી મેચમાં કેરળના કેપ્ટન સંજુએ માત્ર 16 બોલમાં 47 રનની તોફાની ઇનિંગ રમી હતી.આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.તેનો સ્ટ્રાઇક રેટ 293.75નો રહ્યો હતો.સંજુની આ વિસ્ફોટક બેટિંગના કારણે કેરળની ટીમે મહારાષ્ટ્ર સામે 94 રનથી મોટી જીત મેળવી હતી.

અડધી સદીથી માત્ર 3 રન દૂર રહી ગયો સંજુ

કેરળ અને મહારાષ્ટ્ર વચ્ચેની આ મેચ ન્યૂ ચંડીગઢના PCA ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.કેરળે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ તરફથી કેપ્ટન સંજુ સેમસન બેટિંગ કરવા ઉતર્યો અને શરૂઆતથી જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો.સંજુએ મેદાન પર આવતાની સાથે જ મહારાષ્ટ્રના બોલરો પર હુમલો શરૂ કર્યો હતો.તેણે માત્ર 16 બોલમાં 47 રન બનાવી દીધા હતા. તેની ઇનિંગમાં 5 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. મહારાષ્ટ્રના બોલર વિક્કી ઓસ્તવાલની બોલિંગમાં રાહુલ ત્રિપાઠીએ તેનો કેચ પકડ્યો હતો.

રોહન કુન્નુમ્મલ સાથે મળીને કરી તોફાની ભાગીદારી

આ મેચમાં સંજુ સેમસન અને રોહન કુન્નુમ્મલે મળીને મહારાષ્ટ્રના બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી.બંને વચ્ચે માત્ર 26 બોલમાં 66 રનની ઝડપી ભાગીદારી થઈ હતી.સંજુએ 16 બોલમાં 47 રન બનાવ્યા હતા.જ્યારે રોહન કુન્નુમ્મલે માત્ર 10 બોલમાં 18 રન ફટકાર્યા હતા.આ ભાગીદારીથી કેરળની ટીમને મજબૂત સ્થિતિ મળી હતી.આ પહેલાં કેરળની શરૂઆત ખાસ સારી રહી નહોતી.ટીમે 6 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.પરંતુ ત્યાં સુધીમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.મોહમ્મદ અજહરુદ્દીન માત્ર 1 રન અને અહમદ ઇમરાન 13 રન બનાવીને આઉટ થયા હતા.ત્યારબાદ રોહન કુન્નુમ્મલે શાનદાર બેટિંગ કરીને ઇનિંગ સંભાળી હતી.તેણે 47 બોલમાં 75 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા.સંજુ અને રોહનની આક્રમક બેટિંગના કારણે કેરળે 20 ઓવરમાં 211 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

https://x.com/CricCrazyJohns/status/2122298018666070080?a=0ZWdJHKz6RvjcOHkNFQ&s=20


મહારાષ્ટ્રની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ

કેરળે મહારાષ્ટ્ર સામે જીતવા માટે 212 રનનો પડકારજનક લક્ષ્યાંક રાખ્યો હતો.જવાબમાં પૃથ્વી શૉની કેપ્ટનશિપ હેઠળની મહારાષ્ટ્રની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.કેપ્ટન પૃથ્વી શૉ માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મહારાષ્ટ્ર તરફથી રામકૃષ્ણ ઘોષે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. જ્યારે 11મા ક્રમે બેટિંગ કરવા આવેલા પ્રશાંત સોલંકીએ 14 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા.જોકે, અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પરિણામે મહારાષ્ટ્રની આખી ટીમ 16 ઓવરમાં 117 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે કેરળે 94 રનથી શાનદાર જીત મેળવી હતી.

IPL પહેલાં સંજુ સેમસનનો ધમાકો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સંજુ સેમસનની આ તોફાની ઇનિંગ ક્રિકેટ ચાહકો માટે ખાસ ચર્ચાનો વિષય બની છે. માત્ર 16 બોલમાં 47 રન બનાવીને તેણે પોતાની આક્રમક બેટિંગની ક્ષમતા ફરી એકવાર સાબિત કરી છે. હવે આગામી મેચોમાં પણ સંજુ આવું જ પ્રદર્શન જાળવી રાખે છે કે નહીં તેના પર ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો- IND vs NZ 1st Test: ચાર ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે ભારત, ગિલે કર્યો મોટો ખુલાસો