વેસ્ટ ઈન્ડિઝ સામે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ત્રીજી વનડેમાં કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરીને પોતાની તોફાની બેટિંગનો પરચો આપ્યો.મુશ્કેલ પરિસ્થિતિમાં મેદાન પર ઉતરેલા રાહુલે પહેલા ઇનિંગ્સ સંભાળી અને ત્યારબાદ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને ભારતનો સ્કોર 350 રનને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.કેએલ રાહુલે માત્ર 80 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ વનડે ક્રિકેટમાં તેમની 9મી સદી છે.સદી પૂરી કર્યા બાદ રાહુલે બેટિંગનો ગિયર બદલી નાખ્યો અને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું.તેઓ અંત સુધી અણનમ રહ્યા અને 87 બોલમાં 129 રનની શાનદાર ઇનિંગ રમી.રાહુલની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. આ તેમની વનડે કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ બની ગયો છે.
મુશ્કેલ સમયે મેદાન પર આવ્યા હતા રાહુલ
ભારતની ઇનિંગ્સ દરમિયાન એક સમયે ટીમ મુશ્કેલીમાં હતી.રાહુલ જ્યારે પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યા ત્યારે ભારતે 141 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.મેચમાં હજુ 25 ઓવર બાકી હોવાથી રાહુલે શરૂઆતમાં ખૂબ જ સમજદારીથી બેટિંગ કરી.એક છેડે વિકેટ પડતી રહી, પરંતુ રાહુલે પોતાની એકાગ્રતા જાળવી રાખી. તેમણે પહેલા ટીમને સંકટમાંથી બહાર કાઢી અને પછી અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી.ખાસ કરીને છેલ્લી 5 ઓવરમાં રાહુલે વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર જોરદાર પ્રહાર કર્યા.તેમણે ગુરનૂર બ્રાર સાથે 8મી વિકેટ માટે 61 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. આ ભાગીદારીમાં ગુરનૂરનું યોગદાન માત્ર 8 રનનું હતું, જ્યારે રાહુલે મોટા ભાગના રન બનાવ્યા.
https://x.com/BCCI/status/2106345725047230832?s=20
રાહુલની બીજી સૌથી ઝડપી વનડે સદી
કેએલ રાહુલે 80 બોલમાં સદી ફટકારી, જે તેમની વનડે કારકિર્દીની બીજી સૌથી ઝડપી સદી છે.રાહુલની સૌથી ઝડપી વનડે સદી 2023ના વનડે વિશ્વ કપ દરમિયાન આવી હતી. બેંગલુરુમાં નેધરલેન્ડ્સ સામે તેમણે માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી.આ ઉપરાંત પાંચમા નંબર પર બેટિંગ કરતા રાહુલ ભારત માટે વનડેમાં ત્રીજી સૌથી મોટી ઇનિંગ રમનારા બેટર પણ બની ગયા છે.પાંચમા નંબર પર ભારત માટે સૌથી મોટી વનડે ઇનિંગ્સમાં યુવરાજ સિંહ 139 રન સાથે પ્રથમ સ્થાને છે.ત્યારબાદ એમએસ ધોનીએ 134 રનની ઇનિંગ રમી હતી. હવે કેએલ રાહુલ 129* રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા
કેએલ રાહુલની આ શાનદાર ઇનિંગ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 10,000 રન પણ પૂરા કર્યા.2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર રાહુલ આ સિદ્ધિ મેળવનારા ભારતના 15મા બેટર બન્યા છે.રાહુલે 243 મેચની 281 ઇનિંગ્સમાં 10,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી કુલ 23 સદી આવી છે.ટેસ્ટ ક્રિકેટમાં રાહુલે 122 ઇનિંગ્સમાં લગભગ 36ની સરેરાશથી 4,288 રન બનાવ્યા છે.જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના નામે 2,265 રન નોંધાયેલા છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં રાહુલની 129*રનની ઇનિંગ માત્ર ભારતના મોટા સ્કોર માટે જ મહત્વપૂર્ણ રહી નહીં, પરંતુ તેમની વ્યક્તિગત કારકિર્દીમાં પણ અનેક મોટી સિદ્ધિઓ ઉમેરતી સાબિત થઈ.
આ પણ વાંચો - Rohit Sharmaએ તોડ્યો સચિનનો જૂનો રેકોર્ડ,આ મામલે દુનિયાનો ચોથો બેટ્સમેન બન્યો