IPL 2027ની ટ્રેડ વિન્ડો ખુલ્યા બાદ ખેલાડીઓની ટીમ બદલાવને લઈને ચર્ચા તેજ બની છે.ઋષભ પંત અને કુલદીપ યાદવના ટ્રેડ બાદ કે.એલ. રાહુલ પણ દિલ્હી કેપિટલ્સનો સાથ છોડશે તેવી અટકળો શરૂ થઈ હતી.જોકે,હવે દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલની એક પોસ્ટ અને તેના પર રાહુલના જવાબથી આ ચર્ચાઓને વિરામ મળતો જોવા મળી રહ્યો છે.કે.એલ. રાહુલે IPL 2025થી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાણ કર્યું હતું. છેલ્લા 2 સિઝનમાં તેણે ટીમ માટે 27 મેચમાં 1132 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે બંને સિઝનમાં તે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો છે.

પાર્થ જિંદલે રાહુલના ભવિષ્ય પર કરી સ્પષ્ટતા

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે સોશિયલ મીડિયા પર ટીમ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોનો ફરીથી શેર કર્યો હતો.આ પોસ્ટમાં તેમણે કે.એલ.રાહુલને દિલ્હી કેપિટલ્સના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંથી એક ગણાવ્યો હતો.પાર્થ જિંદલે રાહુલની પ્રશંસા કરતા જણાવ્યું કે તે હંમેશા પોતાની ટીમને આગળ રાખીને રમે છે. તેમણે સાથે એવું પણ લખ્યું કે ટીમના કેટલાક કામ હજુ અધૂરા છે અને દિલ્હીનું નામ ગૌરવ અપાવવા માટે તેઓ સાથે મળીને મહેનત કરતા રહેશે.પાર્થ જિંદલની આ પોસ્ટ પર કે.એલ. રાહુલે પણ જવાબ આપ્યો. રાહુલે આભાર માનતા કહ્યું કે તે આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. રાહુલના આ જવાબથી સંકેત મળી રહ્યો છે કે તે IPL 2027માં પણ દિલ્હી કેપિટલ્સ સાથે જોવા મળી શકે છે.

https://x.com/klrahul/status/2096992698901340394?s=20


છેલ્લા 2 સિઝનમાં દિલ્હીના ટોપ બેટર

IPL 2025 અને 2026માં કે.એલ.રાહુલ દિલ્હી કેપિટલ્સની બેટિંગનો સૌથી મોટો આધાર રહ્યો છે.2025ની સિઝનમાં તેણે 539 રન બનાવ્યા હતા.ટીમ તરફથી તેના પછી સૌથી વધુ રન બનાવનાર અભિષેક પોરેલ હતો,જેણે 301 રન બનાવ્યા હતા.IPL 2026માં પણ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે સિઝનમાં 593 રન બનાવ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા પથુમ નિસાંકાએ 278 રન બનાવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા 2 વર્ષમાં દિલ્હીની બેટિંગમાં રાહુલની ભૂમિકા કેટલી મહત્વની રહી છે.

પંજાબ અને લખનઉની કેપ્ટનશિપ કરી

દિલ્હી કેપિટલ્સ સાથે જોડાતા પહેલા કે.એલ.રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે.ત્યારબાદ તેણે લખનઉ સુપર જાયન્ટ્સની પણ સતત 3 સિઝન સુધી કેપ્ટનશિપ કરી હતી.રાહુલના નેતૃત્વમાં લખનઉએ ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું, જોકે ટીમ IPLનું ટાઇટલ જીતી શકી નહોતી. IPL 2025થી રાહુલે દિલ્હી કેપિટલ્સનો સાથ લીધો અને હવે ટીમ સાથે તેની સફર આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

ઋષભ પંત અને કુલદીપ યાદવના ટ્રેડ બાદ ચર્ચા

IPL 2027 પહેલા ટ્રેડને લઈને ચર્ચા એટલા માટે પણ વધી છે કારણ કે કેટલાક મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ ચૂકી છે. ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી થઈ છે, જ્યારે કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો છે.આ વચ્ચે રાહુલના ટ્રેડની અટકળો પણ ચાલી રહી હતી. પરંતુ પાર્થ જિંદલની પોસ્ટ અને રાહુલના જવાબ બાદ એવું લાગી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ અને રાહુલનું જોડાણ આગામી સિઝનમાં પણ જળવાઈ રહેશે.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshiનો માસ્ટરસ્ટ્રોક, ઈશાન કિશનને DRS લેવા કહ્યું અને...!