ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે મેદાન પર જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો.ભારતીય ઓપનર કેએલ રાહુલ માત્ર 5 રનના સ્કોર પર આઉટ થવાથી બચી ગયો હતો. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ મેદાન પરના અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેને નોટઆઉટ આપ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પણ DRS લેવાનો નિર્ણય કર્યો નહોતો. જોકે, પાછળથી રિપ્લેમાં સ્પષ્ટ થયું કે રાહુલ આઉટ હતો. આ જોઈને મેટ હેનરી ગુસ્સે થઈ ગયો હતો અને તેણે મેદાન પર જ પોતાનું સ્વેટર ફેંકી દીધું હતું.

સાતમી ઓવરમાં થયો સમગ્ર ઘટનાક્રમ

આ ઘટના ભારતીય ઇનિંગની સાતમી ઓવરમાં બની હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી બોલિંગ કરી રહ્યો હતો.ઓવરના ચોથા બોલ પર બોલ સીધો કેએલ રાહુલના પેડ સાથે અથડાયો હતો. આ દરમિયાન બે અવાજ પણ સંભળાયા હતા. મેટ હેનરીને વિશ્વાસ હતો કે રાહુલ આઉટ છે. તેણે જોરદાર અપીલ કરી હતી, પરંતુ મેદાન પર હાજર અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેની અપીલ ફગાવી દીધી હતી.ત્યારબાદ મેટ હેનરી અને કેપ્ટન ટોમ લાથમ વચ્ચે DRS લેવા અંગે ચર્ચા થઈ હતી. જોકે, ન્યૂઝીલેન્ડે થોડા સમય પહેલાં જ પોતાનો એક રિવ્યૂ ગુમાવ્યો હતો. આ કારણે ટોમ લાથમે વધુ એક રિવ્યૂ લેવાનું ટાળ્યું હતું.પરંતુ જ્યારે આ ઘટનાનું રિપ્લે મેદાનની મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું ત્યારે હકીકત સામે આવી હતી. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલની પિચિંગ અને ઇમ્પેક્ટ યોગ્ય લાઇનમાં હતી અને બોલ મિડલ સ્ટમ્પને અથડાઈ રહ્યો હતો. એટલે કે જો ન્યૂઝીલેન્ડે DRS લીધો હોત તો કેએલ રાહુલને પેવેલિયન પરત ફરવું પડ્યું હોત.

https://x.com/cricsam02/status/2123608530079133797?a=wB6fEeDO7fiDn7v15lo&s=20

રાહુલને જીવનદાન મળતાં મેટ હેનરી ગુસ્સે થયો

આ સમગ્ર ઘટનાના સમયે કેએલ રાહુલ માત્ર 5 રન બનાવીને રમી રહ્યો હતો. જ્યારે મેદાનની મોટી સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યું ત્યારે મેટ હેનરીએ પણ તે જોયું હતું.પોતાની અપીલ સાચી હોવા છતાં વિકેટ ન મળતાં તે ખૂબ નિરાશ થયો હતો.ગુસ્સામાં તેણે પોતાનું સ્વેટર જમીન પર ફેંકી દીધું હતું. તેની આ પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે વિકેટ ન મળવાથી તે કેટલો નારાજ હતો.બીજી તરફ ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને મોટું જીવનદાન મળી ગયું હતું.આ ઘટના બાદ રાહુલ અને યશસ્વી જાયસ્વાલે વધુ સાવચેતી સાથે બેટિંગ શરૂ કરી હતી. બંનેએ પોતાની વિકેટ બચાવીને ભારતીય ઇનિંગને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

ભારત સામે ન્યૂઝીલેન્ડે બનાવ્યા 368 રન

આ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 368 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. શરૂઆતમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ન્યૂઝીલેન્ડની 5 વિકેટ માત્ર 70 રનમાં પાડી દીધી હતી.જોકે, ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરી હતી. નિકોલ્સે અણનમ 175 રન બનાવ્યા હતા, જ્યારે ફિલિપ્સે 118 રનની સદી ફટકારી હતી. બંને વચ્ચે 216 રનની ભાગીદારી થઈ હતી.હવે ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડના 368 રનનો જવાબ આપવાનો પડકાર છે. ટેસ્ટ મેચના હજુ ત્રણ દિવસ બાકી હોવાથી બંને ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.

આ પણ વાંચો- Viral Video : ધોનીનું અનોખું સરપ્રાઇઝ! સાક્ષીના જન્મદિવસે જાતે સ્ટિયરિંગ સંભાળ્યું!