ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે તેઓ ક્રિકેટના મેદાનને કારણે નહીં, પરંતુ પત્ની સાક્ષીના જન્મદિવસની ખાસ ઉજવણીને કારણે ચર્ચામાં છે. ધોનીએ પત્ની સાક્ષી માટે પહાડો વચ્ચે યાદગાર સાંજનું આયોજન કર્યું હતું. આ દરમિયાન માહી પોતે કાર ચલાવીને સાક્ષીને પહાડોમાં ફરવા લઈ ગયા હતા. સાક્ષીએ આ ખાસ પળોનો વીડિયો અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.સાક્ષી ધોનીએ ગુરુવાર, 19 નવેમ્બરે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તેમના નજીકના મિત્રો પણ જોવા મળી રહ્યા છે. જોકે, આ પોસ્ટમાં એક વીડિયો અને અંતિમ તસવીરે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
પહાડોમાં ધોનીએ જાતે ચલાવી કાર
સાક્ષીએ શેર કરેલા વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની પહાડોની વચ્ચે કાર ચલાવતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વીડિયો સાક્ષીએ કારની બાજુની સીટ પરથી બનાવ્યો છે. વીડિયોમાં ધોની શાંતિથી પહાડી રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે.આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે બંનેએ પહાડોની વચ્ચે એકાંતમાં સુંદર સમય પસાર કર્યો હતો. સાક્ષીએ પોસ્ટમાં શેર કરેલી છેલ્લી તસવીરમાં ધોની અને સાક્ષી સાથે બેઠેલા જોવા મળે છે. ધોનીએ કાળા રંગની હાફ સ્લીવ ટી-શર્ટ પહેરી છે, જ્યારે સાક્ષી સ્વેટરમાં જોવા મળી રહ્યાં છે.ધોની અને સાક્ષીની આ ખાસ પળો સોશિયલ મીડિયા પર ચાહકોને પસંદ આવી રહી છે. ક્રિકેટના મેદાન પર પોતાની શાંત અને ગંભીર છબી માટે જાણીતા માહીનો આ અંદાજ ચાહકો માટે ખાસ છે.
