વિશ્વની સૌથી મોટી T20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની તાકાત હવે પાકિસ્તાન સુપર લીગ સાથે જોડાયેલા લોકો પણ સ્વીકારી રહ્યા છે. પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી ક્વેટા ગ્લેડિયેટર્સના માલિક નદીમ ઉમરે IPL સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ પોતાની મોટી ભૂલ ગણાવ્યો છે. એટલું જ નહીં, તેમણે પોતાની ટીમની ફ્રેન્ચાઇઝી વેચવાની તૈયારી પણ દર્શાવી છે. તેમના આ નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ વધી શકે છે.નદીમ ઉમરના મતે વ્યાવસાયિક રીતે PSL ક્યારેય IPLની બરાબરી કરી શકે તેમ નથી. બંને લીગ વચ્ચે આવક, પ્રાયોજકો, પ્રસારણ અધિકારો અને બજારની દૃષ્ટિએ મોટો તફાવત છે. તેમણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનનું બજાર IPLની સરખામણીમાં ઘણું નાનું છે.

'IPL સાથે સ્પર્ધા કરવી અમારી ભૂલ હતી'

સમાચાર એજન્સી PTIના અહેવાલ પ્રમાણે ક્વેટા ગ્લેડિયેટર્સના માલિક નદીમ ઉમરે કહ્યું હતું કે હવે PSLને અલવિદા કહેવાનો યોગ્ય સમય આવી ગયો છે. જો તેમને સારો પ્રસ્તાવ મળશે અને તેમની કેટલીક શરતો સ્વીકારવામાં આવશે તો તેઓ પોતાની ફ્રેન્ચાઇઝી વેચવા તૈયાર છે.તેમણે વધુમાં કહ્યું કે IPL અને તેના બજાર સાથે સ્પર્ધા કરવી શક્ય નથી. બંને લીગ વચ્ચે વ્યાવસાયિક રીતે ઘણો મોટો તફાવત છે. પાકિસ્તાનમાં એવા પ્રાયોજકો અને વ્યાવસાયિક કંપનીઓની અછત છે, જે PSLમાં IPL જેટલું મોટું રોકાણ કરી શકે.કરાચી સિટી ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષે પણ IPL સાથે સ્પર્ધા કરવાના પ્રયાસને ભૂલ ગણાવ્યો હતો. તેમના મતે બંને લીગનાં બજાર અને આર્થિક ક્ષમતામાં મોટો તફાવત છે.

PSLની જર્સીની નકલી નકલ માત્ર 200 રૂપિયામાં વેચાય છે

નદીમ ઉમરે IPLની આવકનાં વિવિધ માધ્યમો વિશે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર IPLની ટીમો માત્ર પ્રસારણ અધિકારોમાંથી જ નહીં, પરંતુ ટિકિટ વેચાણ અને ટીમના સત્તાવાર સામાનના વેચાણમાંથી પણ મોટી કમાણી કરે છે.તેમણે પાકિસ્તાનમાં મર્ચેન્ડાઇઝિંગની સમસ્યા વિશે વાત કરતાં કહ્યું કે PSLમાં સત્તાવાર જર્સી 1000 પાકિસ્તાની રૂપિયામાં વેચવામાં આવે છે, પરંતુ બજારમાં તેની નકલી નકલ માત્ર 200 રૂપિયામાં મળવા લાગે છે. તેના કારણે ફ્રેન્ચાઇઝીને મોટું આર્થિક નુકસાન થાય છે.તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનમાં ટીમના સત્તાવાર સામાનનું વેચાણ મોટો આવકનો સ્ત્રોત બની શકતું નથી. જ્યારે IPLની ટીમો આ માધ્યમથી પણ સારી કમાણી કરે છે.

IPLની ટીમોની કિંમત સામે PSL ક્યાંય ટકતી નથી

નદીમ ઉમરના મતે IPL અને PSL વચ્ચેનો સૌથી મોટો તફાવત બંને લીગની આર્થિક સ્થિતિમાં જોવા મળે છે. IPLની ટીમોની બ્રાન્ડ વેલ્યુ, પ્રાયોજકો, ટિકિટ વેચાણ અને વ્યાપારી આવક ઘણી મોટી છે.બીજી તરફ PSLને મર્યાદિત બજાર અને ઓછા રોકાણ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્વેટા ગ્લેડિયેટર્સના માલિકના આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે IPLની વૈશ્વિક લોકપ્રિયતા અને વ્યાવસાયિક સફળતા સામે અન્ય T20 લીગ માટે સ્પર્ધા કરવી સરળ નથી.

આ પણ વાંચો- Yashasvi Jaiswalના નામે ઐતિહાસિક સિદ્ધિ, જાડેજાને પછાડીને બનાવ્યો ખાસ રેકોર્ડ