ભારતીય ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવને હાલમાં ટીમમાં સતત રમવાની તક મળી રહી નથી.જોકે, મેદાન પર તેમનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે.ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતા કુલદીપે હવે એવો કારનામો કર્યો છે,જેના કારણે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારોનું ધ્યાન ચોક્કસપણે તેમની તરફ ખેંચાયું હશે.કુલદીપ યાદવે યોર્કશાયર તરફથી રમતા એસેક્સ સામેની કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-1 મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી.તેમણે સમગ્ર મેચમાં 120 રન આપીને 10 વિકેટ પોતાના નામે કરી.આ કુલદીપની પ્રથમ શ્રેણીની કારકિર્દીમાં પ્રથમ વખત એક મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ છે.

વિદેશમાં કુલદીપનો કહેર 

લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાયેલી આ મેચમાં કુલદીપે પ્રથમ દાવમાં 70 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.ત્યારબાદ બીજા દાવમાં તેમની બોલિંગ વધુ અસરકારક રહી હતી.તેમણે માત્ર 50 રન આપીને 6 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા.કુલદીપની શાનદાર બોલિંગના કારણે યોર્કશાયરે એસેક્સને પ્રથમ દાવમાં 171 અને બીજા દાવમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.યોર્કશાયરને આ મેચમાં ઇનિંગ્સ અને 106 રનની મોટી જીત મળી હતી મેચમાં કુલદીપે બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું.યોર્કશાયરે પ્રથમ દાવમાં 390 રન બનાવ્યા હતા,જેમાં કુલદીપે 94 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા.હેડિંગ્લેની પીચ પર સ્પિન બોલર્સને સારી મદદ મળી રહી હતી. કુલદીપે આ પરિસ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને પોતાની બોલિંગથી એસેક્સના બેટર્સને સતત મુશ્કેલીમાં મૂક્યા. ખાસ કરીને બીજા દાવમાં 6 વિકેટ લઈને તેમણે મેચનું પાસું જ બદલી નાખ્યું.

મેચ બાદ કુલદીપે શું કહ્યું?

મેચ બાદ કુલદીપ યાદવે હેડિંગ્લેની પીચ પર બોલિંગના અનુભવ વિશે વાત કરી હતી. તેમના મતે અહીં બોલિંગ કરતી વખતે વધારે ઝડપથી બોલ નાખવાની જરૂર નહોતી. પીચમાં પહેલેથી રહેલી ગતિને કારણે બોલ ટપ્પો ખાધા બાદ બેટર્સ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો હતો.કુલદીપે ઇંગ્લેન્ડની પરિસ્થિતિની તુલના ભારતીય પીચો સાથે પણ કરી હતી. ભારતની ઘણી પીચો ધીમી હોવાના કારણે બેટર્સને શોટ રમવા માટે વધુ સમય મળે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં બોલની વધારાની ગતિને કારણે બેકફૂટ પર જતા બેટર્સ માટે વિકેટ પાછળ, સ્લિપ અને શોર્ટ લેગ જેવા વિસ્તારોમાં કેચની તક ઊભી થઈ શકે છે.

https://x.com/YorkshireCCC/status/2098000303693938733?s=20

ટીમ ઇન્ડિયામાં વાપસી માટે દાવેદારી મજબૂત કરી

કુલદીપ યાદવ માટે તાજેતરનો સમય સરળ રહ્યો નથી. શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ તેમને ટીમમાં પોતાની જગ્યા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં ભારતીય સ્પિનર્સમાં કુલદીપે સૌથી ઓછા ઓવર ફેંક્યા હતા. ત્યારબાદ બીજી ટેસ્ટમાં તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર સારાંશ જૈનને તક આપવામાં આવી હતી.

એશિયન ગેમ્સમાંથી બહાર 

કુલદીપને અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝ અને એશિયન ગેમ્સ 2026 માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં યોર્કશાયર માટે 10 વિકેટ લેવાનું તેમનું પ્રદર્શન ખૂબ મહત્વનું બની જાય છે.કુલદીપે પોતાના પ્રદર્શનથી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તક મળતાં તેઓ ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે મેચવિનર બની શકે છે. હવે જોવાનું રહેશે કે તેમના આ શાનદાર પ્રદર્શન બાદ ગૌતમ ગંભીર અને પસંદગીકારો તેમને આગામી પડકારો માટે ભારતીય ટીમમાં ફરી તક આપે છે કે નહીં.

આ પણ વાંચો - ENG vs PAK : મેદાન પર માત્ર ‘ડક’! પાકિસ્તાનના આ બેટ્સમેનનો ફરી ફ્લોપ શો