વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે શાનદાર વાપસી કરી છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કુલદીપે 10 ઓવરમાં માત્ર 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે તેમણે વનડે ક્રિકેટમાં ભારત માટે ખાસ સિદ્ધિ મેળવી છે.કુલદીપે વેસ્ટ ઈન્ડિઝ સામે 4 વિકેટ ઝડપતાં જ પૂર્વ ભારતીય ઝડપી બોલર વેંકટેશ પ્રસાદને પાછળ છોડી દીધા છે. હવે કુલદીપ ભારત તરફથી વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયા છે.

વેંકટેશ પ્રસાદને પાછળ છોડ્યા

ભારત માટે વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 269 મેચમાં કુલ 334 વિકેટ ઝડપી હતી.આ યાદીમાં બીજા સ્થાને જવાગલ શ્રીનાથ છે, જેમણે 229 મેચમાં 315 વિકેટ લીધી હતી. ત્યારબાદ અજિત અગરકર 191 મેચમાં 288 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.વેસ્ટ ઈન્ડિઝ સામે 4 વિકેટ લીધા બાદ કુલદીપ યાદવના નામે હવે 122 વનડેમાં 198 વિકેટ થઈ ગઈ છે. આ સાથે તેમણે વેંકટેશ પ્રસાદને પાછળ છોડી દીધા છે. પ્રસાદે ભારત માટે 161 વનડે મેચમાં 196 વિકેટ ઝડપી હતી.

Kuldeep Yadav Record

એક જ મેચમાં 4 વિકેટ

કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે પોતાના 10 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને એક ઓવર મેડન પણ ફેંક્યો હતો.કુલદીપે સૌથી પહેલાં જોન કેમ્પબેલની વિકેટ ઝડપી હતી. કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 116 બોલમાં 135 રનની મોટી ભાગીદારી થઈ હતી. કુલદીપે કેમ્પબેલને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો.ત્યારબાદ કુલદીપે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપને પેવેલિયન મોકલ્યો હતો. હોપે 11 બોલમાં 12 રન બનાવ્યા હતા.કુલદીપે ત્યારબાદ એક જ ઓવરમાં જસ્ટિન ગ્રીવ્સ અને જ્વેલ એન્ડ્રુની વિકેટ ઝડપી હતી. આ સમયે તેઓ હેટ્રિકની નજીક પહોંચી ગયા હતા, પરંતુ હેટ્રિક પૂર્ણ કરી શક્યા નહોતા.

ગ્રીવ્સની સદી છતાં વેસ્ટ ઈન્ડિઝનો મોટો સ્કોર

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવ્યા હતા. ઓપનર જસ્ટિન ગ્રીવ્સે શાનદાર બેટિંગ કરતાં 108 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા.જોન કેમ્પબેલે 62 રન બનાવ્યા હતા, જ્યારે આમિર જાંગૂએ અણનમ 58 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી હતી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને 1 વિકેટ મળી હતી.કુલદીપની આ 4 વિકેટ સાથે તેમણે માત્ર વેસ્ટ ઈન્ડિઝની બેટિંગને જ મુશ્કેલીમાં મૂકી નહોતી, પરંતુ ભારતીય વનડે ક્રિકેટના રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ વધુ ઉપર પહોંચાડ્યું છે.કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડેમાં 40 રનમાં 4 વિકેટ ઝડપી. 198 વિકેટ સાથે વેંકટેશ પ્રસાદને પાછળ છોડી ભારતના સફળ બોલરોમાં આગળ વધ્યા.

આ પણ વાંચો - Crickete News : 70 વર્ષની ઉંમરે T20I ડેબ્યૂ, પૌત્રી સાથે ઓપનિંગ કરવા ઉતર્યા આ દાદી