ઈન્ડિયા A માટે રમી રહેલા વિકેટકીપર બેટર કુમાર કુશાગ્રે ઓસ્ટ્રેલિયા A સામે શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.જમણા હાથના આ બેટરે મુશ્કેલીમાં ફસાયેલી ઈન્ડિયા Aની ટીમને સંભાળી અને શાનદાર સદી ફટકારી હતી.પુડુચેરીમાં રમાઈ રહેલી આ મેચમાં ઈન્ડિયા Aની ટીમ એક સમયે માત્ર 97 રનમાં 5 વિકેટ ગુમાવી ચૂકી હતી.આવી સ્થિતિમાં કુમાર કુશાગ્રે જવાબદારી સંભાળી અને 240 બોલમાં 113 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.તેની ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા. તેના શાનદાર પ્રદર્શનના કારણે ઈન્ડિયા Aનો સ્કોર 334 રન સુધી પહોંચ્યો.

કુમાર કુશાગ્રે સંભાળી ઈન્ડિયા Aની ઈનિંગ

ઈન્ડિયા Aની શરૂઆત ખરાબ રહી હતી. અમન મોખાડે અને કેપ્ટન દેવદત્ત પડિક્કલ ઝડપથી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ શેખ રાશિદ અને યશ રાઠોડ પણ પેવેલિયન પરત ફર્યા હતા.ઓપનર સાઈ સુદર્શનને 57 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને થોડો આધાર આપ્યો હતો. ત્યારબાદ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા કુમાર કુશાગ્રે મેચની દિશા બદલી નાખી.કુશાગ્રે તનુષ કોટિયન સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 138 રનની શાનદાર ભાગીદારી કરી. બંને ખેલાડીઓ 266 બોલ સુધી ક્રિઝ પર રહ્યા. કોટિયને પણ 138 બોલમાં 69 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.આ ભાગીદારીએ ઈન્ડિયા Aને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને ટીમને 300 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી.

https://x.com/mufaddal_vohra/status/2102629858052612258?s=20

સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે કુશાગ્ર

કુમાર કુશાગ્ર છેલ્લા કેટલાક સમયથી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઝારખંડના આ યુવા ખેલાડીએ તાજેતરમાં દુલિપ ટ્રોફીની ફાઇનલમાં પણ સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 101 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં 46 રનની ઇનિંગ રમી હતી.આ પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં પણ કુશાગ્રે 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ઝારખંડને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.હવે ઈન્ડિયા A માટે સદી ફટકારીને કુશાગ્રે ફરી એકવાર પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો છે.

ત્રણેય ફોર્મેટમાં સારો રેકોર્ડ

કુમાર કુશાગ્ર ટેક્નિકલી મજબૂત બેટર તરીકે ઓળખાય છે અને ત્રણેય ફોર્મેટમાં બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 6 સદી અને 6 અડધી સદી સાથે 2,337 રન બનાવ્યા છે.લિસ્ટ A ક્રિકેટમાં તેનો બેટિંગ સરેરાશ 52.69 છે અને તેણે 1,370 રન બનાવ્યા છે. તેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે.T20 ક્રિકેટમાં પણ કુશાગ્રે 145થી વધુના સ્ટ્રાઈક રેટથી 694 રન બનાવ્યા છે.ઓસ્ટ્રેલિયા A સામેની આ સદી બાદ હવે તેની બેટિંગ પર વધુ નજર રહેશે.

આ પણ વાંચો - IND vs WI : ROKOની જોડી ફરી મચાવશે ધૂમ, નોટ કરી લો તારીખ