ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર લાન્સ મોરિસ માટે ખુશીની પળો અચાનક મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ છે. કમરની ગંભીર ઈજા અને સર્જરીને કારણે લગભગ 18 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ મોરિસે 7 નવેમ્બરે મેદાન પર શાનદાર વાપસી કરી હતી. જોકે, આ વાપસીના થોડા કલાકો બાદ જ તેમની સાથે એવો અકસ્માત થયો કે ફરી એકવાર તેમને ક્રિકેટથી દૂર રહેવું પડશે.મોરિસ પોતાના માતા-પિતાના ઘરે યોજાયેલી સગાઈની પાર્ટીમાં હાજરી આપવા ગયા હતા.આ દરમિયાન તેઓ લપસીને કાચના ટુકડાઓ પર પડી ગયા હતા. પરિણામે તેમના ડાબા હાથમાં ઊંડો ઘા થયો હતો. ઈજા ગંભીર હોવાથી તેમને સર્જરી કરાવવી પડી છે. હવે તેઓ લગભગ 4 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે.
હાથની ઈજા માટે કરાવવી પડી સર્જરી
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના હાઈ પરફોર્મન્સ મેનેજર કેડ હાર્વેએ મોરિસની ઈજા અને સારવાર અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, મોરિસના ડાબા હાથમાં થયેલા ઊંડા ઘાની સફળ સર્જરી કરવામાં આવી છે.હાર્વેએ જણાવ્યું હતું કે આ અકસ્માત શનિવારે રાત્રે મોરિસના માતા-પિતાના ઘરે યોજાયેલી સગાઈની પાર્ટી દરમિયાન થયો હતો. તેઓ લપસીને કાચ પર પડી ગયા હતા, જેના કારણે હાથમાં ગંભીર ઈજા થઈ હતી.તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોરિસ આગામી અઠવાડિયાથી ફરી બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી શકશે. અંદાજ મુજબ, તેઓ લગભગ 4 અઠવાડિયામાં મેચ રમવા માટે ફિટ થઈ શકે છે.
વન-ડે કપની મેચમાંથી બહાર
આ ઈજાને કારણે મોરિસ સોમવારે વિક્ટોરિયા સામે રમાનારી વન-ડે કપની મેચમાં ભાગ લઈ શકશે નહીં. હવે તેમનું મુખ્ય લક્ષ્ય ડિસેમ્બરના મધ્યમાં શરૂ થનારી બિગ બેશ લીગ એટલે કે BBL પહેલાં સંપૂર્ણપણે ફિટ થવાનું છે.મોરિસ માટે આ સમયગાળો ખૂબ મહત્ત્વનો છે. લાંબા સમય સુધી ઈજામાંથી બહાર આવ્યા બાદ તેમણે મેદાન પર પોતાની ક્ષમતા સાબિત કરી હતી, પરંતુ હવે ફરીથી ફિટનેસ મેળવવા માટે મહેનત કરવી પડશે.
વાપસીની મેચમાં જો રૂટને કર્યો હતો આઉટ
મોરિસે 7 નવેમ્બરે ઇંગ્લેન્ડની વન-ડે ટીમ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં લગભગ 18 મહિના બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી હતી. આ મેચમાં તેમણે પોતાની ઝડપી બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.તેમણે 10 ઓવરમાં 2 ઓવર મેઇડન નાખીને માત્ર 29 રન આપ્યા હતા અને 3 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેમણે ઇંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટ અને ટોમ બેન્ટનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.લાંબા સમય સુધી કમરની ઈજા અને સર્જરી બાદ મોરિસની આ વાપસી ઓસ્ટ્રેલિયાના પસંદગીકારો માટે પણ સારા સંકેત સમાન હતી. જોકે, સગાઈની પાર્ટીમાં થયેલા અકસ્માતે તેમની લય પર ફરી બ્રેક લગાવી દીધી છે.
રાહતની વાત શું છે?
મોરિસ માટે રાહતની વાત એ છે કે ઈજા તેમના ડાબા હાથમાં થઈ છે, જ્યારે તેઓ જમણા હાથથી ઝડપી બોલિંગ કરે છે. તેથી બોલિંગની પ્રેક્ટિસ ફરી શરૂ કરવામાં વધુ મુશ્કેલી નહીં પડે તેવી આશા છે. જોકે, સંપૂર્ણ ફિટનેસ અને મેચમાં વાપસી માટે તબીબી ટીમની મંજૂરી મહત્ત્વની રહેશે.હવે જોવાનું એ રહેશે કે મોરિસ સમયસર સ્વસ્થ થઈને BBLમાં વાપસી કરી શકે છે કે નહીં.
આ પણ વાંચો - IPL 2027 MEGA TRADE : મુંબઈ અને પંજાબ વચ્ચે મહાડિલ! હાર્દિક-અર્શદીપની અદલાબદલી, બંનેને મળશે કરોડો