ક્રિકેટના મેદાન પર ઘણી વખત ખેલાડીઓ પોતાની આક્રમક બેટિંગ અને અનોખા સેલિબ્રેશનથી ચર્ચામાં રહેતા હોય છે.જોકે,બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે પોતાની સદી બાદ એવું સેલિબ્રેશન કર્યું કે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા.દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં લિટન દાસે શાનદાર સદી ફટકાર્યા બાદ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી હતી.આ ચિઠ્ઠીમાં તેણે પોતાની દીકરી માટે ખાસ સંદેશ લખ્યો હતો. તેનો આ અંદાજ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
સદી ફટકાર્યા બાદ દીકરી માટે કાઢી ખાસ ચિઠ્ઠી
દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે જોહાનિસબર્ગના ધ વાન્ડરર્સ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી હતી.મેચની પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશના લિટન દાસે શાનદાર બેટિંગ કરી હતી.તેણે 179 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા.મેચના બીજા દિવસે માર્કો યાનસેનના બોલ પર છગ્ગો ફટકારીને લિટને પોતાની સદી પૂરી કરી હતી.સદી પૂરી થતાં જ તેણે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.આ ચિઠ્ઠીમાં પોતાની દીકરી માટે જન્મદિવસનો ખાસ સંદેશ લખ્યો હતો.તેમાં લખ્યું હતું,'હેપ્પી બર્થડે માય પ્રિન્સેસ,આ સદી તારા માટે છે.લિટનનું આ ભાવુક સેલિબ્રેશન જોઈને મેદાન પર હાજર દર્શકો પણ ખુશ થઈ ગયા હતા.
https://x.com/mufaddal_vohra/status/2122243530374746546?a=Q-ycQXkjry4_rKiUq9k&s=20
લિટન દાસે ફટકારી કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી
લિટન દાસની આ સદી તેના ટેસ્ટ કરિયરની આઠમી સદી હતી.વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં તેણે સાતમી સદી ફટકારી હતી.આ સાથે તેણે બાંગ્લાદેશના પૂર્વ વિકેટકીપર મુશફિકુર રહીમને પાછળ છોડી દીધા હતા.મુશફિકુરે વિકેટકીપર તરીકે 6 ટેસ્ટ સદી ફટકારી હતી.લિટને વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં પણ શાનદાર સદી ફટકારી હતી.તે મેચમાં તેણે 114 બોલમાં 102 રન બનાવ્યા હતા.ખાસ વાત એ હતી કે તે સમયે વિકેટકીપિંગની જવાબદારી નુરુલ હસન સંભાળી રહ્યો હતો.
તૌહીદ હૃદય સાથે 206 રનની ભાગીદારી
દક્ષિણ આફ્રિકા સામેની આ ટેસ્ટ મેચમાં એક સમયે બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.ટીમે માત્ર 121 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી.આવી મુશ્કેલ પરિસ્થિતિમાં લિટન દાસે તૌહીદ હૃદય સાથે મળીને ઇનિંગ સંભાળી હતી.બંને બેટ્સમેન વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 206 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. લિટને 120 રન બનાવ્યા હતા.જ્યારે તૌહીદ હૃદયે 137 રનની ઇનિંગ રમીને પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી.આ ભાગીદારીના કારણે બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.મુશ્કેલ સ્થિતિમાંથી ટીમને બહાર કાઢવામાં બંને બેટ્સમેનોનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું.
સદી બાદ લિટન દાસે શું કહ્યું?
બીજા દિવસની રમત પૂરી થયા બાદ લિટન દાસે પોતાની બેટિંગ અંગે વાત કરી હતી.તેણે જણાવ્યું હતું કે તે મુશ્કેલ પરિસ્થિતિઓને હંમેશાં એક તક તરીકે જુએ છે.તેના મતે,જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે સિનિયર ખેલાડીની જવાબદારી વધી જાય છે.આવી પરિસ્થિતિમાં ટીમ માટે રન બનાવવા અને ઇનિંગને સંભાળવી તેને ગમે છે.લિટને વધુમાં કહ્યું કે તે હંમેશાં રન બનાવવાની વિચારસરણી સાથે મેદાનમાં ઉતરે છે.તેનાથી તેને ખુશી મળે છે અને સ્કોરબોર્ડ પણ સતત આગળ વધતું રહે છે.એક તરફ લિટન દાસે પોતાની બેટિંગથી બાંગ્લાદેશને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું,તો બીજી તરફ દીકરી માટેના તેના ખાસ સંદેશે આ સદીને વધુ યાદગાર બનાવી દીધી.
આ પણ વાંચો - '10 વર્ષ પછી વિરાટ કોહલીને પસ્તાવો થશે', કપિલ દેવના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ