ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એશ ગાર્ડનર સાથે વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) 2026ની મેચ દરમિયાન એક અકસ્માત થતાં ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સિડની સિક્સર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચે રમાયેલી મેચમાં ગાર્ડનરને બોલિંગ કરતી વખતે વિરોધી બેટરનો શોટ સીધો ગળા પર વાગ્યો હતો. જોકે, સદનસીબે તેને ગંભીર ઇજા થઈ નહોતી. આ ઘટના બાદ પણ ગાર્ડનરે શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને મોટી જીત અપાવી હતી.

કેવી રીતે ગાર્ડનરના ગળા પર વાગ્યો બોલ?

આ ઘટના હોબાર્ટ હરિકેન્સની ઇનિંગની 16મી ઓવરમાં બની હતી. સિડની સિક્સર્સની કેપ્ટન એશ ગાર્ડનર પોતે બોલિંગ કરી રહી હતી. તેણે ઓવરનો પહેલો બોલ થોડો આગળ ફેંક્યો હતો. તેના પર હોબાર્ટની બેટર મેેડી ગ્રીને સીધો જોરદાર શોટ માર્યો હતો. ગાર્ડનરે બોલને કેચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેના હાથ સાથે અથડાઈને છટક્યો અને સીધો ગળા પર વાગ્યો હતો. હાથ સાથે અથડાવાને કારણે બોલની ગતિ થોડી ઓછી થઈ ગઈ હતી, જેના કારણે ગાર્ડનરને ગંભીર ઇજા થઈ નહોતી. આ દૃશ્ય જોઈને બેટર મેેડી ગ્રીન પણ ચિંતિત થઈ ગઈ હતી. WBBLના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ગાર્ડનરને થોડી પીડા અનુભવાતી જોવા મળે છે, જ્યારે ગ્રીન તેની સ્થિતિ અંગે ચિંતિત દેખાય છે.
https://x.com/WBBL/status/2116849651433239023?a=LXj14QfCij2tRhWrh4g&s=20

બેટિંગમાં ગાર્ડનરે ફટકારી 124 રનની તોફાની ઇનિંગ

આ મેચમાં ગાર્ડનરનું પ્રદર્શન માત્ર આ ઘટના પૂરતું જ મર્યાદિત નહોતું. તેણે બેટિંગમાં પણ શાનદાર રમત બતાવી હતી. સિડની સિક્સર્સની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને માત્ર 6 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં ગાર્ડનરે એલિસ કેપ્સી સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. ગાર્ડનરે માત્ર 60 બોલમાં 124 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ એલિસ કેપ્સીએ 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 176 રનની ભાગીદારી થઈ હતી. આ WBBL ઇતિહાસમાં ચોથી વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. ગાર્ડનરની આ WBBL કારકિર્દીની બીજી સદી હતી. 124 રનની આ ઇનિંગ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ચોથી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ પણ બની હતી.

આ પણ વાંચો: The Final Test 1953: નકલી ઓવલ સ્ટેડિયમમાં અસલી ક્રિકેટરો! 1953ની આ ફિલ્મની અનોખી કહાની!