શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ગાલેમાં શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં 165 રનથી શાનદાર જીત મેળવી અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ યજમાન ટીમ માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
યુવા સ્પિનર માનવ સુથારે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેને પોતાની ઘાતક બોલિંગથી 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે માનવ સુથારે ટેસ્ટ ક્રિકેટમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી જે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
માનવ સુથારે ઈતિહાસ રચ્યો
24 વર્ષના માનવ સુથારે શ્રીલંકા સામેની ગોલ ટેસ્ટની બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. તેને અગાઉ પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. આમ માનવ સુથારે મેચમાં 131 રન આપીને કુલ 10 વિકેટ લીધી. આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર માનવ સુથારે પોતાની બીજી ટેસ્ટમાં જ 10 વિકેટ લેવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. આ સાથે તે ભારત માટે વિદેશમાં ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનાર સૌથી યુવા બોલર બન્યો.
માનવ સુથાર ભારત માટે સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારા બોલર્સના ક્લબમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે. તેના પહેલા ભૂતપૂર્વ ભારતીય બોલર નરેન્દ્ર હિરવાણીએ તેના ટેસ્ટ ડેબ્યૂમાં આ સિદ્ધિ મેળવી હતી. લક્ષ્મણ શિવરામકૃષ્ણન, અક્ષર પટેલ અને માનવ સુથારે તેમની બીજી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.
https://twitter.com/BCCI/status/2089998511714820446
ભારત માટે ટેસ્ટમાં સૌથી ઓછી મેચોમાં ડેબ્યૂમાં 10 વિકેટ લેનાર બોલર
નરેન્દ્ર હિરવાણી (1988માં ચેન્નાઈ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ મેચમાં 16/136) – 1 મેચ
લક્ષ્મણ શિવરામકૃષ્ણન - 2 મેચ
અક્ષર પટેલ – 2 મેચ
માનવ સુથાર – 2 મેચ
શ્રીનિવાસ વેંકટરાઘવન – 4 મેચ
શ્રીલંકામાં 10 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર
માનવ સુથાર શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનાર માત્ર ત્રીજો ભારતીય બોલર બન્યો. હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિન અગાઉ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. હરભજન સિંહે 2008માં ગોલ ટેસ્ટમાં 153 રન આપીને 10 વિકેટ લીધી હતી, જ્યારે આર અશ્વિને 2017માં તે જ મેદાન પર 160 રન આપીને 10 વિકેટ લીધી હતી. માનવ સુથાર ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 10 વિકેટ લેનાર નવમો લેફ્ટ સ્પિનર પણ બન્યો.
શ્રીલંકામાં ભારત માટે 10 વિકેટ લેનાર બોલર
માનવ સુથાર - 131 રન, 10 વિકેટ
રવિચંદ્રન અશ્વિન - 160 રન, 10 વિકેટ
હરભજન સિંહ - 153 રન, 10 વિકેટ
બુમરાહ અને શમી સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નહીં
માનવ સુથારે આ વર્ષે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે શ્રીલંકા પ્રવાસ પર માનવ સુથારે તેની બીજી જ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી, એક એવી સિદ્ધિ જે કેટલાક દિગ્ગજ બોલર્સ પણ તેમના સમગ્ર કરિયરમાં હાંસલ કરી શક્યા નથી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, જોશ હેઝલવુડ, મોર્ને મોર્કેલ, નીલ વેગનર, બ્રેટ લી, જેસન ગિલેસ્પી અને બેન સ્ટોક્સ જેવા વિશ્વના બેસ્ટ બોલર્સ પણ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે.
ભારત માટે સૌથી વધુ 10 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલેના નામે સંયુક્ત રીતે છે. બંને દિગ્ગજોએ 8-8 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. હરભજન સિંહે 5 વખત અને રવિન્દ્ર જાડેજાએ 3 વખત ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન