ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને ફરી એકવાર ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી ટેસ્ટ સીરિઝ માટે તે ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ નહીં હોય. ખાસ વાત એ છે કે છેલ્લા 17 મહિનામાં બીજીવાર લાબુશેનને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. આ પહેલાં જૂન 2025માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ માટે પણ તેની પસંદગી કરવામાં આવી નહોતી.ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ લાબુશેનને ટીમમાંથી બહાર રાખવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. આ નિર્ણયથી એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બેટ્સમેન રહી ચૂકેલા લાબુશેનની મુશ્કેલીઓ વધી છે.
જ્યોર્જ બેઇલીએ કરી લાબુશેનને બહાર રાખવાની પુષ્ટિ
જ્યોર્જ બેઇલીએ સ્પષ્ટ કર્યું છે કે 9 ડિસેમ્બરથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં લાબુશેન ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ નહીં હોય. એટલું જ નહીં, તે માત્ર પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાંથી જ નહીં, પરંતુ આખી સીરિઝમાંથી બહાર રહેશે.બેઇલીએ કહ્યું કે હાલમાં લાબુશેનના નામ પર પસંદગી માટે વિચારણા કરવામાં આવી રહી નથી. ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ 4 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. જોકે, આ સીરિઝ માટે હજુ સુધી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ઓસ્ટ્રેલિયાની ટીમની પસંદગી 11 નવેમ્બરથી શરૂ થનારા શેફિલ્ડ શીલ્ડના ચોથા રાઉન્ડ બાદ કરવામાં આવશે.
ખરાબ ફોર્મ બન્યું ટીમમાંથી બહાર થવાનું કારણ
માર્નસ લાબુશેનને ટીમમાંથી બહાર રાખવાનું સૌથી મોટું કારણ તેનું સતત કથળતું પ્રદર્શન છે. તેણે ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચની બંને ઇનિંગ્સમાં તે નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય અને બીજી ઇનિંગ્સમાં માત્ર 4 રન બનાવ્યા હતા.દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. બંને મેચમાં મળીને તેના બેટમાંથી 40 રન પણ આવ્યા નહોતા. સતત નિષ્ફળતાને કારણે પસંદગીકારોએ હવે તેને ટીમની બહાર રાખવાનો નિર્ણય લીધો છે.
https://x.com/cricketcomau/status/2119587110634311960?a=j9IuNk1fIOAVBm1sepI&s=20
એક સમયે હતો ટેસ્ટ ક્રિકેટનો નંબર-1 બેટ્સમેન
માર્નસ લાબુશેનની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય નવેમ્બર 2019થી ડિસેમ્બર 2022 સુધીનો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં 36 ઇનિંગ્સમાં 10 સદી ફટકારી હતી. પોતાના શાનદાર પ્રદર્શનના જોરે તે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન પણ બન્યો હતો.જોકે, 2023ના મધ્યભાગથી તેના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જ્યોર્જ બેઇલીએ પણ સ્વીકાર્યું છે કે લાબુશેન સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તક મળ્યા બાદ તે અપેક્ષા પ્રમાણે રમી શકતો નથી.2025માં ટીમમાંથી બહાર થયા બાદ લાબુશેને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી. ક્વીન્સલેન્ડ તરફથી બે ફોર્મેટની 10 ઇનિંગ્સમાં તેણે 5 સદી ફટકારી હતી. ત્યારબાદ તેને એશિઝ સીરિઝ માટે ફરી ટીમમાં તક આપવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહોતો.
હવે લાબુશેનનું શું થશે?
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયા બાદ લાબુશેન હવે શેફિલ્ડ શીલ્ડમાં ક્વીન્સલેન્ડ તરફથી રમતો જોવા મળશે. તે આ ટીમની કેપ્ટનશિપ પણ કરશે. સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ફરી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો તેની પાસે મોકો રહેશે.જ્યારે જ્યોર્જ બેઇલીને પૂછવામાં આવ્યું કે શું લાબુશેનને ભવિષ્યમાં ભારત અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે તક મળી શકે છે, ત્યારે તેમણે હકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હા, ચોક્કસ તેને ફરી તક મળી શકે છે.આમ, લાબુશેન માટે આ મોટો ઝટકો છે, પરંતુ ટેસ્ટ ટીમમાં વાપસીના દરવાજા હજુ સંપૂર્ણપણે બંધ થયા નથી. હવે તેનું ભવિષ્ય સ્થાનિક ક્રિકેટમાં તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો -Pakistan Cricketમાં કેપ્ટનનું ચાલે છે કે સિલેક્ટર્સનું? બાબર આઝમે કર્યો મોટો ખુલાસો