USAની ટીમે UAE સામે એવું પ્રદર્શન કર્યું છે,જે તેના ODI ક્રિકેટના ઈતિહાસમાં લાંબા સમય સુધી યાદ રહેશે.UAEએ અમેરિકાની સામે 330 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો, પરંતુ મિલિંદ કુમારની તોફાની બેટિંગે આ વિશાળ લક્ષ્યાંકને પણ નાનો બનાવી દીધો.મિલિંદ કુમારે શાનદાર અણનમ સદી ફટકારીને USAને ઐતિહાસિક જીત અપાવી. અમેરિકાએ 330 રનનો લક્ષ્યાંક 7 બોલ બાકી રહેતાં 6 વિકેટે હાંસલ કરી લીધો. આ સાથે USAએ પોતાના ODI ઈતિહાસમાં સૌથી મોટા સફળ રન ચેઝનો રેકોર્ડ બનાવી દીધો છે.
330 રનનો લક્ષ્યાંક 6 વિકેટે કર્યો હાંસલ
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ની મેચમાં UAEએ પ્રથમ બેટિંગ કરીને 330/8નો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં USAની શરૂઆત બાદ મિલિંદ કુમારે મોરચો સંભાળ્યો.મિલિંદે માત્ર 84 બોલમાં અણનમ 116 રનની તોફાની ઈનિંગ્સ રમી. તેમની આ ODI કારકિર્દીની 5મી સદી હતી. તેમની સાથે શુભમ રંજાનેએ પણ અણનમ 57 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી.બંને બેટર્સે પાંચમી વિકેટ માટે અણનમ 160 રનની શાનદાર ભાગીદારી કરી અને USAને ઐતિહાસિક જીત સુધી પહોંચાડ્યું.
USAનો ODIમાં સૌથી મોટો રન ચેઝ
330 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને USAએ પોતાના ODI ઈતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો છે.
આ પહેલા અમેરિકાનો ODIમાં સૌથી મોટો સફળ રન ચેઝ 294/7 હતો.2024માં ડલાસના આ જ મેદાન પર USAએ નેપાળ સામે 294 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.હવે UAE સામે 330 રનનો ચેઝ કરીને અમેરિકાએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્લ્ડ કપ લીગ-2ના ઈતિહાસમાં પણ આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે.
મિલિંદ કુમારે છગ્ગાનો નવો રેકોર્ડ બનાવ્યો
મિલિંદ કુમારે પોતાની શાનદાર સદી દરમિયાન 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેઓ USA માટે મેન્સ ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયા છે.મિલિંદના નામે હવે ODI ક્રિકેટમાં કુલ 38 છગ્ગા થઈ ગયા છે. તેમણે મોનાંક પટેલનો રેકોર્ડ તોડ્યો છે. મોનાંક પટેલે USA માટે ODIમાં 34 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે એરોન જોન્સ 32 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

વર્લ્ડ કપ માટે USAની આશા મજબૂત
આ જીત સાથે USA ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ટીમનું પ્રદર્શન સતત મજબૂત બની રહ્યું છે અને હવે 2027ના ODI વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાની તેની આશા વધુ મજબૂત બની છે.2027નો ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાવાનો છે. લીગ-2માં મજબૂત સ્થિતિના કારણે USA પહેલેથી જ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.UAE સામેની આ જીત USA માટે માત્ર એક મેચની જીત નથી, પરંતુ ટીમના ODI ઈતિહાસની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મિલિંદ કુમારની અણનમ 116 રનની ઈનિંગ્સ આ ઐતિહાસિક ચેઝનું સૌથી મોટું આકર્ષણ બની રહી.
આ પણ વાંચો - Ranji Trophy 2026-27: મુંબઈની ટીમમાંથી સૂર્યકુમાર યાદવ OUT,આ સ્ટાર ખેલાડી બન્યો કેપ્ટન