પંજાબના મોહાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ સ્વિમિંગ પૂલમાં પડતાં શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો હતો. આ ઘટનામાં બિહારના ઔરંગાબાદના 22 વર્ષીય ક્રિકેટર સાત્વિક અમન પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટના મોહાલીના સેક્ટર 74-A સ્થિત ઓમ સાઈ ક્રિકેટ એકેડમીમાં બની હતી. પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધ્યો છે.
બોલ સ્વિમિંગ પૂલમાં પડતાં શરૂ થયો વિવાદ
મળતી માહિતી મુજબ, સાત્વિક અમન શનિવારે ઓમ સાઈ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની એક બોલ બાઉન્ડ્રી પાર કરીને નજીક આવેલા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો.બોલ લેવા માટે સાત્વિક સ્વિમિંગ પૂલ પાસે પહોંચ્યા ત્યારે ત્યાંનો દરવાજો બંધ હતો. ત્યારબાદ પૂલના માલિક જસબીર સિંહ બહાર આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, તેમણે સાત્વિક સાથે ગાળાગાળી કરી હતી. સાત્વિકે બોલ પરત આપવાની વિનંતી કરતાં બંને વચ્ચે વિવાદ થયો હતો.
ક્રિકેટર પર તલવારથી હુમલો કરવાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિવાદ દરમિયાન જસબીર સિંહે સાત્વિકના કપાળ પર મુક્કો માર્યો હતો. ત્યારબાદ તેઓ અંદર ગયા હતા અને તલવાર લઈને બહાર આવ્યા હતા.સાત્વિકે પોતાનો બચાવ કરવા માટે નજીકમાં પડેલી વાંસની લાકડી હાથમાં લીધી હતી. જોકે, આરોપીએ તેમના માથા પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન સાત્વિકે બચાવ માટે ડાબો હાથ આગળ કરતાં તેમના હાથમાં પણ ઈજા થઈ હતી.સાત્વિકના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આરોપીએ તેમની પીઠ પર ફરી હુમલો કર્યો હતો. આ ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ભાઈએ હોસ્પિટલ પહોંચાડ્યા, પોલીસમાં ફરિયાદ નોંધાવી
ઘટના બાદ સાત્વિકે પોતાના ભાઈ સાકેતને ફોન કર્યો હતો. માહિતી મળતાં જ સાકેત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાત્વિકને મોહાલીના ફેઝ-4 વિસ્તારમાં આવેલી ચીમા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સાત્વિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બલિયાલી ગામના રહેવાસી જસબીર સિંહ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 118(1) અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે.આ કલમો અનુક્રમે જોખમી હથિયારથી ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવા અને ગુનાહિત ધમકી સાથે સંબંધિત છે.
પોલીસ તપાસ શરૂ
માત્ર ક્રિકેટનો બોલ સ્વિમિંગ પૂલમાં પડવાથી શરૂ થયેલો વિવાદ ગંભીર હુમલાના આરોપ સુધી પહોંચ્યો છે. આ ઘટનાને પગલે ક્રિકેટ પ્રેક્ટિસ માટે આવેલા ખેલાડીની સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. હાલમાં પોલીસ ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Yuvraj Singhની મોટી માંગ,અભિષેક અને વૈભવને લઈને કહી આ વાત