દુલીપ ટ્રોફી 2026-27ની ફાઇનલમાં ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનની ટીમો ચેન્નાઈમાં આમને-સામને છે.ઈસ્ટ ઝોને બેટિંગની શરૂઆત મજબૂત રીતે કરી છે.આ મેચ ઈસ્ટ ઝોનના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી માટે પણ ખાસ બની છે.શમીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.તેણે પોતાની કારકિર્દીની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ પૂર્ણ કરી છે.મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે,પરંતુ ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરીને ટીમમાં વાપસી માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યો છે. દુલીપ ટ્રોફીમાં પણ તેણે શાનદાર બોલિંગ કરી છે અને ઈસ્ટ ઝોનને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

શમીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

મોહમ્મદ શમીએ નવેમ્બર 2010માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તેણે આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.187 ઇનિંગમાં શમીના નામે 26.30ની સરેરાશથી 382 વિકેટ છે.શમીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.આ ઉપરાંત તેણે 2 વખત એક મેચમાં 10 વિકેટ પણ ઝડપી છે.આ આંકડા તેની લાંબી અને સફળ ઘરેલુ કારકિર્દી દર્શાવે છે.દુલીપ ટ્રોફીની ફાઇનલમાં 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમવી શમી માટે ખાસ ક્ષણ રહી છે.આ સિદ્ધિ સાથે તેણે પોતાના લાંબા ક્રિકેટ સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરી છે.

https://x.com/BCCIdomestic/status/2096449794122350820?s=20

બંગાળ ક્રિકેટ એસોસિએશને કર્યું સન્માન

શમીની 100મી ફર્સ્ટ ક્લાસ મેચની સિદ્ધિને બંગાળ ક્રિકેટ એસોસિએશને પણ ખાસ રીતે ઉજવી હતી.ફાઇનલના એક દિવસ પહેલાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શમીને ખાસ ભેટ આપવામાં આવી હતી.તેને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સૌરવ ગાંગુલીની સહીવાળી ક્રિકેટ બોલ, 100 નંબરવાળી ખાસ જર્સી અને ચાંદીની થાળી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેક કાપીને પણ શમીની સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

ઈશાન કિશને શમીના કર્યા વખાણ

ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન પણ શમીના સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા.મેચ પહેલાં તેમણે શમીના અનુભવ અને પ્રદર્શનની પ્રશંસા કરી હતી.ઈશાન કિશને કહ્યું કે મોહમ્મદ શમી શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે અને તેઓ ક્રિકેટના દિગ્ગજ રહ્યા છે.શમીએ ભારતીય ટીમ માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત વિકેટ લેવાની તેમની ક્ષમતા રહી છે.ઈશાને શમીની ઉંમર અંગે પણ મહત્વની વાત કરી હતી.તેમના મતે ઉંમર માત્ર એક આંકડો છે.જો ખેલાડી મહેનત કરી રહ્યો હોય અને મેદાન પર પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યો હોય તો ઉંમર મહત્વની રહેતી નથી.

ભારતીય ટીમમાં વાપસી પર નજર

મોહમ્મદ શમી છેલ્લા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી.તેણે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે રમી હતી.ત્યારથી તે ટીમની બહાર છે.જોકે ઘરેલુ ક્રિકેટમાં તેના સતત સારા પ્રદર્શનથી ભારતીય ટીમમાં વાપસીની આશા જીવંત છે.હવે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં શમીનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે. 100મી ફર્સ્ટ ક્લાસ મેચના ખાસ પ્રસંગે શમી પોતાની બોલિંગથી વધુ એક યાદગાર પ્રદર્શન કરે છે કે નહીં, તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો - Sunil Narine હેટ્રિકથી ચૂક્યો છતાં તોડ્યો મોટો રેકોર્ડ,CPLમાં કરી કરિયરની શ્રેષ્ઠ બોલિંગ