કેરેબિયન પ્રીમિયર લીગ 2026માં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સના અનુભવી સ્પિનર સુનીલ નારાયણે શાનદાર બોલિંગ કરીને ટીમને મોટી જીત અપાવી છે.CPL 2026ની 27મી મેચમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સને 35 રનથી હરાવ્યું. આ જીતમાં સુનીલ નરૈનની બોલિંગ સૌથી મહત્વની રહી.નરૈને માત્ર 3.3 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે તેમણે CPL કારકિર્દીની પોતાની શ્રેષ્ઠ બોલિંગ નોંધાવી.સુનીલ નારાયણ આ મેચમાં હેટ્રિકની નજીક પણ પહોંચ્યા હતા.જોકે તેઓ હેટ્રિક પૂર્ણ કરી શક્યા નહોતા.તેમ છતાં તેમની શાનદાર બોલિંગે બાર્બાડોસની બેટિંગને સંપૂર્ણપણે મુશ્કેલીમાં મૂકી દીધી.આ પ્રદર્શન સાથે નરૈને પોતાની ટીમ માટે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

પાવરપ્લેમાં જ 3 વિકેટ લીધી

ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 147 રન બનાવ્યા હતા.ટીમના કેપ્ટન નિકોલસ પૂરણે 59 રનની આક્રમક ઇનિંગ રમી હતી.તેમની ઇનિંગમાં 7 છગ્ગા સામેલ હતા.148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સની શરૂઆત ખરાબ રહી.ટ્રિનબાગોના બોલરોએ પાવરપ્લેમાં જ 4 વિકેટ ઝડપી લીધી હતી.તેમાં 3 વિકેટ એકલા સુનીલ નરૈને ઝડપી હતી.નરૈને પોતાની બીજી ઓવરની છેલ્લી 2 બોલમાં સતત 2 વિકેટ ઝડપી હતી. તેમણે પહેલા બ્રાન્ડન કિંગને આઉટ કર્યો અને ત્યારબાદ ક્વિન્ટન ડિકોકને પેવેલિયન મોકલ્યો.ત્યારબાદ જ્યારે નરૈન બાર્બાડોસની ઇનિંગની 5મી ઓવર નાખવા આવ્યા ત્યારે તેમની પાસે હેટ્રિક પૂર્ણ કરવાની તક હતી.જો નરૈન આ ઓવરની પહેલી જ બોલે વિકેટ ઝડપી લેતા તો તેમની હેટ્રિક પૂર્ણ થઈ જાત.જોકે તેઓ આ તક ઝડપી શક્યા નહોતા.તેમ છતાં ઓવરની ચોથી બોલે તેમણે રિવાલ્ડો ક્લાર્કને આઉટ કરીને પોતાની ત્રીજી વિકેટ મેળવી.

https://x.com/CPL/status/2096428222615265673?s=20


ઇનિંગની છેલ્લી વિકેટ પણ નરૈનના નામે

બાર્બાડોસની ટીમ પાવરપ્લેમાં જ 4 વિકેટ ગુમાવી ચૂકી હતી. ત્યારબાદ પણ નિયમિત અંતરે વિકેટ પડતી રહી. જેના કારણે 148 રનના લક્ષ્ય સુધી પહોંચવું તેમના માટે મુશ્કેલ બનતું ગયું.બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સની ઇનિંગની છેલ્લી વિકેટ પણ સુનીલ નરૈને જ ઝડપી હતી. તેમણે જકીમ પોલાર્ડને આઉટ કરીને પોતાની ચોથી વિકેટ મેળવી. આખરે બાર્બાડોસની ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ટ્રિનબાગોએ 35 રનથી જીત મેળવી.

CPLમાં ટ્રિનબાગો માટે સૌથી વધુ વિકેટ

સુનીલ નરૈન માટે આ પ્રદર્શન ખાસ રહ્યું.3.3 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ તેમનું CPLમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.આ સાથે નરૈને ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તેમણે ડ્વેન બ્રાવોના 111 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. નરૈનના નામે હવે ટ્રિનબાગો માટે કુલ 113 વિકેટ થઈ ગઈ છે.આ રીતે હેટ્રિકથી થોડા અંતરે રહી ગયેલા સુનીલ નરૈને પોતાની શાનદાર બોલિંગથી ટીમને તો જીત અપાવી જ, સાથે સાથે CPLમાં એક મોટો વ્યક્તિગત રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો.

આ પણ વાંચો- Shafali Vermaને આઉટ કર્યા બાદ ફાતિમાનું અનોખુ સેલિબ્રેશન,VIDEO થયો વાયરલ