ભારતીય ક્રિકેટના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. અનેક પૂર્વ ક્રિકેટરો શમીની નિવૃત્તિ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે શમીને હજુ ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક મળવી જોઈતી હતી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વસને શમીની કારકિર્દી અને ટીમ ઈન્ડિયામાં તેની વાપસી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન શમી માટે ટીમમાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.


અતુલ વસને મિડિયા સાથેની વાતચીતમાં મોહમ્મદ શમીની પ્રતિભા, સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના પ્રદર્શનનાં વખાણ કર્યાં હતાં. તેમણે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને વાપસી કરવાનો પ્રયાસ કરવા છતાં શમીની ટેસ્ટ કારકિર્દીનો અંત આ રીતે આવ્યો.

શમીની વિદાયથી દુઃખી થયા પૂર્વ ક્રિકેટર

અતુલ વસને શમીની સફરને પ્રેરણાદાયક ગણાવી હતી. તેમના મતે, શમીએ ઘૂંટણની સમસ્યાઓ હોવા છતાં દુનિયાભરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.તેમણે કહ્યું હતું કે, શમી એક અદ્ભુત ખેલાડી છે. તેણે જ્યાંથી પોતાની શરૂઆત કરી અને જે સંઘર્ષમાંથી પસાર થયો તે પ્રેરણાદાયક છે. ઘૂંટણની તકલીફો છતાં તેણે વિશ્વભરમાં જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. તે ખૂબ જ પ્રતિભાશાળી અને શાનદાર બોલર છે. તેને આ રીતે વિદાય લેતા જોઈને દુઃખ થાય છે.અતુલ વસને વધુમાં જણાવ્યું કે શમી ટીમમાં વાપસી કરવા માટે સતત મહેનત કરી રહ્યો હતો. તેણે રણજી ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેને આશા હતી કે તેની કારકિર્દીનો અંત ભુવનેશ્વર કુમારની જેમ સારી રીતે આવશે.

ગૌતમ ગંભીરના કાર્યકાળમાં વાપસી મુશ્કેલ હોવાનો દાવો

પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વસને ભારતીય ક્રિકેટમાં સિનિયર ખેલાડીઓ સાથેના વ્યવહાર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે, લાંબા સમય સુધી દેશ માટે રમનારા અને શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનજનક વિદાય મળવી જોઈએ.તેમણે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં સિનિયર ખેલાડીઓને મળવો જોઈએ તેવો આદર અને શિષ્ટાચાર જોવા મળતો નથી. શમીએ દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. તેથી તેને તેની ઇચ્છા પ્રમાણે સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી.અતુલ વસને વધુમાં દાવો કર્યો હતો કે ગૌતમ ગંભીર મુખ્ય કોચ હતા ત્યારે શમી માટે ટીમમાં વાપસીની શક્યતાઓ ઓછી હતી. શમીએ પોતાની તરફથી પૂરા પ્રયાસ કર્યા, પરંતુ ઉંમરની અસર પણ ખેલાડીના પ્રદર્શન પર પડતી હોય છે. દરેક ખેલાડી હંમેશાં ક્રિકેટ રમી શકતો નથી.

હવે વનડે ટીમમાં પણ તક મળવી મુશ્કેલ?

અતુલ વસનના નિવેદનથી શમીની ટેસ્ટ કારકિર્દી બાદ હવે વનડે ક્રિકેટમાં તેના ભવિષ્ય અંગે પણ ચર્ચા શરૂ થઈ શકે છે. શમી લાંબા સમયથી ભારતીય ક્રિકેટનો મહત્ત્વનો ભાગ રહ્યો છે. તેણે પોતાની સ્વિંગ અને ઝડપી બોલિંગથી અનેક મોટી મેચોમાં ભારતને જીત અપાવવામાં મદદ કરી છે.જોકે, હવે તેની વાપસી અંગે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. અતુલ વસને શમીની વિદાયને દુઃખદ ગણાવી હતી અને તેના યોગદાનને યોગ્ય સન્માન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

શમીએ છેલ્લી ટેસ્ટ મેચ ક્યારે રમી હતી?

મોહમ્મદ શમીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં રમી હતી. આ મુકાબલામાં ભારતીય ટીમને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ મેચમાં શમીએ પ્રથમ ઇનિંગ્સમાં 122 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં 39 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી.આમ, ટેસ્ટ ક્રિકેટમાં શમીની વિદાય બાદ હવે તેની વનડે અને અન્ય ફોર્મેટમાં વાપસી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Happy Diwali : વિદેશી ક્રિકેટર્સ પર ચઢ્યો દિવાળીનો રંગ! વોર્નર-પીટરસનની ખાસ પોસ્ટે જીત્યાં દિલ