ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ-11માં સ્થાન ન મળતાં નવો વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે સિરાજની પસંદગીને લઈને ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સારા પ્રદર્શન છતાં સિરાજને ટીમમાં તક ન મળવાનું કારણ તેમનું નામ તો નથી ને? તેમના આ નિવેદન બાદ ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ઇમરાન મસૂદે કહ્યું હતું કે તેમને એવું કહેવામાં આવ્યું છે કે સારા પ્રદર્શન છતાં સિરાજને ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું નથી. કદાચ તેનું નામ 'સિરાજ' હોવાથી તેને તક આપવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ ખેલાડી સારા પ્રદર્શન છતાં ટીમમાં સ્થાન મેળવી શકતો નથી તો તેમાં ભેદભાવ સ્પષ્ટ દેખાય છે.
પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ-11માંથી સિરાજ બહાર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં શરૂ થઈ હતી. આ મેચ માટે ભારતીય ટીમની અંતિમ એકાદશમાં મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું નહોતું.તેના બદલે આકાશ દીપ અને અંશુલ કંબોજને તક આપવામાં આવી હતી. ભારતીય ટીમ ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. જેમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ અને અંશુલ કંબોજનો સમાવેશ થતો હતો.જોકે, સિરાજને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી. તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો છે. તેને માત્ર પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નહોતું. એટલે કે સિરાજને ટીમમાંથી બહાર કરાયો હોવાનો દાવો યોગ્ય નથી.
