વિમેન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને 8મી વખત ખિતાબ પોતાના નામે કર્યો.જોકે,મેચ બાદ ટ્રોફી વિતરણ સમારોહને લઈને મોટો વિવાદ જોવા મળ્યો. ભારતીય મહિલા ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ ઘટનાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં મોહસિન નકવી કારમાં બેઠેલા જોવા મળે છે અને રસ્તા પર કેટલાક પાકિસ્તાની ચાહકો તેમના સમર્થનમાં નારા લગાવતા જોવા મળે છે. એક ચાહકે ભારતને ટ્રોફી ન આપવાના નકવીના નિર્ણયને યોગ્ય ગણાવીને તેમની પ્રશંસા કરી હોવાનું વીડિયોમાં જોવા મળે છે.

‘મોહસિન નકવી ઝિંદાબાદ’ના નારા

વાયરલ વીડિયોમાં કેટલાક પાકિસ્તાની ચાહકો મોહસિન નકવીના સમર્થનમાં નારા લગાવતા જોવા મળે છે.અહેવાલ પ્રમાણે ચાહકોએ કહ્યું હતું કે ભારતને ટ્રોફી ન આપવાનો નકવીનો નિર્ણય યોગ્ય હતો.એક ચાહકે તો એવો દાવો પણ કર્યો કે ભારતીય ટીમ આ ટ્રોફીની હકદાર નથી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓને સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.બીજી તરફ BCCI સચિવ દેવજીત સૈકિયાએ ટ્રોફી વિવાદ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વએ જોયું છે કે ભારતીય ટીમે એશિયા કપ જીત્યો છે. તેથી ટ્રોફી મળવાથી કે ન મળવાથી ભારતની જીત પર કોઈ અસર પડતી નથી.

https://x.com/lord_geopolitic/status/2099221622150566372?s=20

BCCIએ જ આપ્યો હતો ટ્રોફી ન લેવાનો નિર્ણય

BCCI સચિવ દેવજીત સૈકિયાએ સોમવારે જણાવ્યું કે ભારતીય મહિલા ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય બોર્ડની સૂચના મુજબ લીધો હતો.સૈકિયાના જણાવ્યા પ્રમાણે BCCIએ આ નિર્ણય અંગે એશિયન ક્રિકેટ કાઉન્સિલને અગાઉથી જ જાણ કરી દીધી હતી.ભારતીય ટીમ નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારશે નહીં તે અંગે પણ ACCને સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી.તેમણે કહ્યું કે આ નિર્ણય તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક લેવામાં આવ્યો હતો.એટલે ટ્રોફી વિતરણ સમયે ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.

2025માં પણ બની હતી આવી ઘટના

આ પ્રકારની ઘટના અગાઉ 2025ના એશિયા કપમાં પણ બની હતી. તે સમયે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ખિતાબ જીત્યા બાદ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.2025માં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ આવ્યો હતો. ત્યાર બાદ ક્રિકેટ સંબંધિત કાર્યક્રમોમાં પણ બંને દેશો વચ્ચેના સંબંધોની અસર જોવા મળી હતી.2025ના એશિયા કપમાં ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લીધી નહોતી અને આ વખતે ભારતીય મહિલા ટીમે પણ એ જ વલણ અપનાવ્યું છે.

નકવીનો ACC કાર્યકાળ 2027 સુધી

મોહસિન નકવી હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે અને તેમનો કાર્યકાળ 2027 સુધી હોવાનું જણાવવામાં આવ્યું છે.જોકે,અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી સમયમાં ACCના પ્રમુખ પદ માટે નકવીને ફરી સમર્થન મળવું મુશ્કેલ બની શકે છે.જો ભારત આગામી એશિયા કપમાં પણ ચેમ્પિયન બને છે અને નકવી ACCના પ્રમુખ પદે ન હોય, તો ટ્રોફી વિતરણની સ્થિતિ બદલાઈ શકે છે.હાલમાં ભારતે મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને હરાવીને ખિતાબ જીત્યો છે.ટ્રોફી વિવાદ બાદ ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધોને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

આ પણ વાંચો - Women Asia Cup Trophy વિવાદ પર પાકિસ્તાન બોખલાયું, મંત્રીએ આપ્યું નિવેદન