હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિમેન્સ એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો.ભારતે આ સાથે રેકોર્ડ 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી.જોકે,ખિતાબ જીત્યા બાદ પુરસ્કાર સમારોહમાં એક અલગ જ ઘટના જોવા મળી.ભારતીય ખેલાડીઓએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો.

ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો

મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ હોવા ઉપરાંત પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે.આ મુદ્દે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકાય નહીં.આ ઘટના પ્રથમ વખત બની નથી. 2025માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે પણ એશિયા કપ જીત્યા બાદ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો.હવે ભારતીય મહિલા ટીમે પણ એ જ વલણ અપનાવ્યું છે.

પાકિસ્તાની મંત્રીએ આપી પ્રતિક્રિયા

ટ્રોફી વિવાદ બાદ પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ ભારતના નિર્ણયની ટીકા કરી.તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે રમતગમતમાં ખેલદિલી મહત્વની છે.તેમણે ભારતના આ નિર્ણયને લઈને આક્ષેપ કર્યો અને કહ્યું કે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરવાથી ભારતની કથિત રાજદ્વારી અને સૈન્ય હાર બદલાઈ શકશે નહીં.ચૌધરીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાને રમતગમતનું રાજકીયકરણ કર્યું નથી અને વિવાદિત મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે.

BCCIએ સ્પષ્ટ કર્યું પોતાનું વલણ

BCCI સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા પ્રમાણે એશિયા કપની ટ્રોફીનો મુદ્દો હવે માત્ર રમત પૂરતો રહ્યો નથી.2025માં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ આવ્યો હતો.સૈકિયાએ કહ્યું કે ભારત સરકારની નીતિ મુજબ બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તમામ દેશો સામે રમવાનું છે. તેથી ભારતીય ટીમો આવી સ્પર્ધાઓમાં પાકિસ્તાન સહિત તમામ ટીમો સામે રમે છે.જોકે, તેનો અર્થ એ નથી કે દરેક પરિસ્થિતિ સ્વીકારવી જરૂરી છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે દેશ સાથે ભારતના સંબંધો પહેલેથી ખરાબ છે અને જે દેશના નેતાઓમાંનો એક ભારત વિરુદ્ધ કામ કરી રહ્યો છે, તેની પાસેથી ટ્રોફી સ્વીકારવી શક્ય નથી.

પુરુષ ટીમ બાદ મહિલા ટીમે પણ લીધો એ જ નિર્ણય

2025માં ભારતીય પુરુષ ટીમે એશિયા કપ જીત્યા બાદ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.ત્યારથી ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના દુબઈ સ્થિત મુખ્યાલયમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.નકવીનું કહેવું છે કે તેઓ પોતે જ વિજેતા ટીમને ટ્રોફી આપશે. જોકે, ભારતીય ટીમે તેમના હાથેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો છે. BCCI સચિવે કહ્યું કે મહિલા ટીમે પણ પુરુષ ટીમના નિર્ણયને આગળ વધારતા નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નથી.

ભારતે શ્રીલંકાને હરાવી 8મો એશિયા કપ જીત્યો

વિમેન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકા સામે 184 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ અડધી સદી ફટકારી અને બંને વચ્ચે 129 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી થઈ.લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી શ્રી ચરાણીએ 4 વિકેટ અને દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી.ક્રાંતિ ગૌડ,શેફાલી વર્મા અને પ્રેમા રાવતે 1-1 વિકેટ લીધી.આ જીત સાથે ભારતે 8મી વખત વિમેન્સ એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારત અને શ્રીલંકા બંને ટીમો પોતાના ગ્રુપમાં ટોચ પર રહીને ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય ટીમે સમગ્ર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ફરી એક વખત એશિયામાં પોતાનો દબદબો સાબિત કર્યો.

આ પણ વાંચો - પાકિસ્તાન પર ICCની બેવડી કાર્યવાહી, 11 WTC પોઇન્ટ્સ કાપ્યા, ભારે આર્થિક દંડ પણ ફટકાર્યો