ભારતીય ક્રિકેટના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.તેના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. હવે ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ શમીની નિવૃત્તિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે શમીને ટીમનો કુશળ ખેલાડી ગણાવ્યો હતો અને તેને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતો જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.મોર્ને મોર્કેલના મતે શમી જેવા અનુભવી અને કુશળ ખેલાડીનું ટીમમાં હોવું ખાસ હતું. ભારતીય ટીમ સાથે જોડાયા બાદ તેમને શમી સાથે ડ્રેસિંગ રૂમમાં સમય પસાર કરવાની અને તેમની પાસેથી ઘણું શીખવાની તક મળી હતી. મોર્કેલે એ પણ જણાવ્યું કે શમીએ ભારતીય ટીમ સાથે શરૂઆતના દિવસોમાં તેમની ઘણી મદદ કરી હતી.
શમીની નિવૃત્તિ પર મોર્ને મોર્કેલે શું કહ્યું?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી બીજી વનડે મેચ પહેલાં મોર્ને મોર્કેલને શમીની નિવૃત્તિ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે શમીને ક્રિકેટમાંથી વિદાય લેતા જોવું દુઃખદ છે.મોર્કેલે કહ્યું, જ્યારે મેં પહેલીવાર ભારતીય ટીમ સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે શમી ટીમનો ભાગ હતો, તે મારા માટે નસીબની વાત હતી. તે ખૂબ જ કુશળ ખેલાડી છે અને ટીમમાં તેનું વિશેષ સ્થાન હતું. તેની સાથે ડ્રેસિંગ રૂમમાં સમય પસાર કરવાની અને ભારતીય ભાષામાં વાતચીત કરવાની તક મળી. તેણે મારી ઘણી મદદ કરી હતી. તેથી તેને વિદાય લેતો જોવો દુઃખની વાત છે.મોર્કેલના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે શમી સાથે તેમનો સંબંધ માત્ર મેદાન પૂરતો મર્યાદિત નહોતો. ભારતીય ટીમમાં સાથે કામ કરતી વખતે બંને વચ્ચે સારો તાલમેલ પણ રહ્યો હતો.
https://x.com/Vikas662005/status/2118893539551756506?a=ekJRV-70HgWUYN8UpCg&s=20
64 ટેસ્ટમાં 229 વિકેટ, શમીની યાદગાર કારકિર્દી
મોહમ્મદ શમીનો જન્મ 3 સપ્ટેમ્બર 1990ના રોજ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. તેણે વર્ષ 2013માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ પોતાની ઝડપ, સચોટ લાઇન-લેન્થ અને શાનદાર સીમ મૂવમેન્ટના આધારે તેણે ભારતીય ટેસ્ટ ટીમમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.વિરાટ કોહલીની કેપ્ટનશિપ દરમિયાન શમી ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલરોમાં સામેલ હતો. પોતાની રિવર્સ સ્વિંગની ક્ષમતા અને મુશ્કેલ પરિસ્થિતિમાં વિકેટ લેવાની કળાને કારણે તે દુનિયાના ખતરનાક બોલરોમાં ગણાતો હતો.શમીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 64 મેચ રમીને 229 વિકેટ ઝડપી હતી. તેની આ સિદ્ધિઓ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશાં યાદ રહેશે.
ઈજાઓએ શમીની કારકિર્દીને અસર પહોંચાડી
મોહમ્મદ શમીની છેલ્લી ટેસ્ટ મેચ 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હતી. ત્યારબાદ ઈજાઓ અને ફિટનેસની સમસ્યાઓને કારણે તે લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમની બહાર રહ્યો હતો.2023ના વનડે વર્લ્ડ કપમાં શમીએ શાનદાર બોલિંગ કરી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. ખાસ વાત એ હતી કે પગની ઘૂંટીની જૂની ઈજા હોવા છતાં તેણે ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.વર્લ્ડ કપ બાદ તેની પગની ઘૂંટીની સર્જરી કરવામાં આવી હતી, જેના કારણે તે 2024ના મોટા ભાગના સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. ત્યારબાદ 2024-25ની સિઝનમાં ડાબા ઘૂંટણમાં સોજાની સમસ્યાએ તેની વાપસીને વધુ મુશ્કેલ બનાવી હતી.
શમી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી માટે સતત મહેનત કરી
છેલ્લાં કેટલાક વર્ષોથી શમી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે સતત મહેનત કરી રહ્યો હતો. તેણે રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, તેને ટેસ્ટ ટીમમાં વાપસી કરવાની તક મળી નહોતી.આખરે લાંબી રાહ અને ઈજાઓ સામેની લડાઈ બાદ શમીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. જોકે, તેની બોલિંગ, યાદગાર સ્પેલ અને ભારતીય ક્રિકેટમાં આપેલું યોગદાન ચાહકોના મનમાં હંમેશાં જીવંત રહેશે.
આ પણ વાંચો - Sandesh Explainer : સ્વિંગ અને સીમનો જાદુગર હવે સફેદ જર્સીમાં નહીં દેખાય! જાણો અચાનક કેમ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય?