ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્ર સિંહ ધોનીની ખેલાડી તરીકેની સફરનો અંત આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027 પહેલાં ધોનીને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી છે. આ સાથે હવે માહી પીળી જર્સીમાં ખેલાડી તરીકે નહીં, પરંતુ ટીમના માર્ગદર્શક તરીકે જોવા મળશે.ચેન્નાઈ સુપર કિંગ્સે આ નવી જવાબદારીને ધોનીની સફરનો નવો અધ્યાય ગણાવ્યો છે. લગભગ બે દાયકા સુધી CSK સાથે જોડાયેલા રહેલા ધોનીએ પોતાની આગેવાની અને રમતથી ટીમને નવી ઓળખ અપાવી છે. હવે તે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે અને ટીમની આગામી પેઢી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ધોની વગર CSKની કલ્પના જ ન થઈ શકે'
ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને ધોની સાથેના સંબંધને યાદ કરતાં કહ્યું કે ધોની વગર CSKની કલ્પના કરવી મુશ્કેલ છે. લગભગ બે દાયકાની આ સફરમાં ટીમે અનેક સફળતાઓ અને મુશ્કેલીઓ જોઈ છે, પરંતુ બંને વચ્ચેનો વિશ્વાસ હંમેશાં મજબૂત રહ્યો છે.તેમણે 2008માં ધોનીને ચેન્નાઈની ટીમ સાથે જોડવાનો નિર્ણય પણ યાદ કર્યો. તેમના મતે, આ નિર્ણય ફ્રેન્ચાઇઝી માટે સૌથી સારા નિર્ણયોમાંનો એક સાબિત થયો હતો. ધોની હંમેશાં CSKની ઓળખનો ભાગ રહેશે અને ચેન્નાઈ તેનું ઘર રહેશે.
'આવો ખેલાડી જીવનમાં એક જ વાર મળે છે'
CSKની માલિક રૂપા ગુરુનાથે પણ ધોનીના યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે ધોની જેવા ખેલાડી જીવનમાં એક જ વાર મળે છે. શરૂઆતથી જ ટીમ સાથે જોડાઈને તેણે CSKનો પાયો મજબૂત બનાવ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે મેદાનની અંદર અને બહાર ધોનીએ ટીમને જે આપ્યું છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તેની કપ્તાની, નમ્રતા, પ્રતિબદ્ધતા અને કરોડો ચાહકો સાથે જોડાવાની રીત અનોખી રહી છે.રૂપા ગુરુનાથના જણાવ્યા પ્રમાણે, મેન્ટર તરીકે ધોનીનો અનુભવ અને માર્ગદર્શન ટીમના યુવા ખેલાડીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
https://x.com/ChennaiIPL/status/2122620787450654896?a=b4ks-xiLROj5pqzyEbE&s=20
'ટ્રોફી જ નહીં, જીતવાની રીત પણ યાદ રહેશે'
CSKના મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. વિશ્વનાથને પણ ધોનીની સફરને યાદ કરી. તેમણે કહ્યું કે ધોનીએ ક્રિકેટર તરીકે જે સિદ્ધિઓ મેળવી છે તે ચાહકો હંમેશાં યાદ રાખશે. જોકે, તેની સૌથી મોટી ખાસિયત એ રહી કે તે માત્ર ટીમનો ખેલાડી બનીને રહ્યો નહીં, પરંતુ ચેન્નાઈ શહેરનો જ એક ભાગ બની ગયો.તેમણે કહ્યું કે ભવિષ્યમાં જ્યારે આ સફરને યાદ કરવામાં આવશે ત્યારે માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ તે જીતવાની રીત પણ યાદ રહેશે.
https://x.com/ChennaiIPL/status/2122522645606355386?a=CxntCNU0wz3EptzhvE0&s=20
ધોનીએ CSKને 5 IPL અને 2 ચેમ્પિયન્સ લીગ ટ્રોફી અપાવી
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત ટીમે તેની આગેવાનીમાં 2 વખત ચેમ્પિયન્સ લીગ T20ની ટ્રોફી પણ જીતી હતી.ધોનીએ CSKને 2010, 2011, 2018, 2021 અને 2023માં IPL ચેમ્પિયન બનાવી હતી. તેની કપ્તાનીમાં ટીમે અનેક યાદગાર જીત મેળવી અને IPLની સૌથી સફળ ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.હવે IPL 2027થી ધોનીની ભૂમિકા બદલાશે. મેદાન પર પીળી જર્સીમાં તેને રમતા જોવાની તક નહીં મળે, પરંતુ મેન્ટર તરીકે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો રહેશે. માહીની આ નવી ઇનિંગની શરૂઆત સાથે CSKના ચાહકો માટે એક યાદગાર યુગનો અંત આવ્યો છે.
આ પણ વાંચો- MS Dhoni માટે CSKનો પ્લાન તૈયાર? રિટેન થશે કે IPLને કહેશે અલવિદા?