ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મુકેશ કુમાર ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ફિટનેસની સમસ્યાઓથી પરેશાન રહેલા મુકેેશ માટે આગામી ઘરેલુ સીઝન ખૂબ મહત્વની બનવાની છે. દલીપ ટ્રોફી 2026માં ઈસ્ટ ઝોન તરફથી રમતા મુકેેશે બોલિંગમાં શાનદાર શરૂઆત કરી છે અને અત્યાર સુધી 11 વિકેટ ઝડપી છે.મુકેશ કુમારે દલીપ ટ્રોફીની ફાઇનલમાં સાઉથ ઝોન સામે ત્રીજા દિવસની રમત બાદ જણાવ્યું કે આગામી ઘરેલુ સીઝન તેમના માટે ટીમ ઈન્ડિયામાં વાપસીની દિશામાં ખૂબ મહત્વની રહેશે.
બોલિંગ સાથે ફિટનેસ પર પણ કર્યું કામ
મુકેશ કુમારે કહ્યું કે દલીપ ટ્રોફી ઘરેલુ સીઝનની શરૂઆતનો મહત્વપૂર્ણ ભાગ છે અને તેઓ આ ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા.તેમણે જણાવ્યું કે દલીપ ટ્રોફી શરૂ થવાના 4 દિવસ પહેલાં જ તેઓ BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે પોતાની બોલિંગ પર કામ કરવાની સાથે ફિટનેસને પણ મહત્વ આપ્યું હતું.મુકેશના જણાવ્યા અનુસાર, તેમણે ખાસ ધ્યાન રાખ્યું કે કઈ રીતે બોલિંગ કરવાની છે અને પોતાની ફિટનેસમાં પણ સુધારો કરવા માટે મહેનત કરી છે.
2 વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર
મુકેશ કુમારે ભારત માટે પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો લગભગ 2 વર્ષ પહેલાં રમ્યો હતો. ત્યારથી ફિટનેસ સહિતની સમસ્યાઓના કારણે ટીમમાં તેમની વાપસી થઈ શકી નથી.હવે દલીપ ટ્રોફીમાં સારા પ્રદર્શન દ્વારા તેઓ પસંદગીકારોનું ધ્યાન ખેંચવા માંગે છે. ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ તેમના માટે ફરી ટીમ ઈન્ડિયાના દરવાજા ખોલી શકે છે.

પડિક્કલની વિકેટ માટે ખાસ પ્લાન બનાવ્યો હતો
દલીપ ટ્રોફી ફાઇનલમાં મુકેેશે સાઉથ ઝોનના મહત્વના બેટ્સમેન દેવદત્ત પડિક્કલની વિકેટ પણ ઝડપી હતી.આ વિકેટ માટેની પોતાની રણનીતિ અંગે પણ મુકેશે ખુલાસો કર્યો.તેમણે કહ્યું કે પડિક્કલ સામે તેમની ટીમની યોજના વિકેટને નિશાન બનાવીને બોલિંગ કરવાની હતી. પડિક્કલ શ્રીલંકામાં સતત 2 સદી ફટકારીને આવી રહ્યા હતા અને આવી પિચ પર બેટ્સમેનને થોડી પણ જગ્યા મળે તો તેઓ સરળતાથી રન બનાવી શકે છે.આ કારણે મુકેશે પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની બોલિંગની લેન્થમાં પણ કેટલાક ફેરફાર કર્યા હતા.
સેમિફાઇનલમાં પણ કર્યો હતો કમાલ
ઈસ્ટ ઝોનને દલીપ ટ્રોફીની ફાઇનલ સુધી પહોંચાડવામાં મુકેશ કુમારની બોલિંગે મહત્વની ભૂમિકા ભજવી છે. સેન્ટ્રલ ઝોન સામે રમાયેલી સેમિફાઇનલમાં તેમણે એકલા 7 વિકેટ ઝડપી હતી.હવે દલીપ ટ્રોફીમાં તેમના પ્રદર્શન બાદ મુકેેશની નજર આગામી ઘરેલુ ક્રિકેટ સીઝન પર છે. જો તેઓ સતત શાનદાર બોલિંગ કરતા રહેશે તો ફરી એકવાર ટીમ ઈન્ડિયાની પસંદગીમાં તેમનું નામ ચર્ચામાં આવી શકે છે.
આ પણ વાંચો - Asian Games 2026 : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ક્યાં રોકાશે? BCCIએ કરી સ્પષ્ટતા