મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની 2027 સીઝન પહેલા પોતાની ટીમના હેડ કોચમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે લિસા કીટલીના સ્થાને ઓસ્ટ્રેલિયાના લ્યુક વિલિયમ્સને નવો હેડ કોચ બનાવવાની જાહેરાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે ગુરુવારે સત્તાવાર રીતે આ નિર્ણયની જાણકારી આપી હતી. કીટલીએ ટીમ સાથેનો કાર્યકાળ પૂરો કરીને આગળ વધવાનો નિર્ણય લીધો છે.

લ્યુક વિલિયમ્સની થશે મુંબઈમાં એન્ટ્રી

લ્યુક વિલિયમ્સ મહિલા ક્રિકેટમાં લાંબો કોચિંગ અનુભવ ધરાવે છે. તેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. કોચ તરીકે તેમણે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારતમાં કામ કર્યું છે. વિલિયમ્સની કોચિંગ કારકિર્દીમાં મહિલા ક્રિકેટની કેટલીક મોટી સફળતાઓ સામેલ છે. તેમણે ઓસ્ટ્રેલિયાની વુમન્સ બિગ બેશ લીગમાં 2022 અને 2023માં ટાઈટલ જીત્યા હતા. 2023માં ઈંગ્લેન્ડની ધ હન્ડ્રેડમાં તેઓ આસિસ્ટન્ટ કોચ તરીકે ટાઈટલ વિજેતા ટીમનો ભાગ રહ્યા હતા. ત્યારબાદ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મહિલા ટીમને WPL ટાઈટલ જીતાડવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

ઈંગ્લેન્ડની મહિલા ટીમ સાથે પણ કામ કર્યું

વિલિયમ્સ 2025થી ઈંગ્લેન્ડની મહિલા ટીમ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે પણ જોડાયેલા હતા. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ક્રિકેટરો સાથે કામ કરવાનો તેમનો અનુભવ પણ છે. તેઓ સાઉથ ઓસ્ટ્રેલિયન ગ્રેડ ક્રિકેટમાં ત્રણ વખત બ્રેડમેન મેડલ પણ જીતી ચૂક્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના જણાવ્યા પ્રમાણે વિલિયમ્સે છેલ્લા બે દાયકામાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારતના ક્રિકેટ સેટઅપમાં કોચિંગની જવાબદારીઓ સંભાળી છે.

નીતા અંબાણીએ કરી નવા કોચની પ્રશંસા

મુંબઈ ઈન્ડિયન્સની માલિકી ધરાવતા ગ્રુપ તરફથી નીતા એમ. અંબાણીએ લ્યુક વિલિયમ્સનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે વિલિયમ્સનો મહિલા ક્રિકેટનો અનુભવ, ખેલાડીઓના વિકાસ પર ધ્યાન અને જીતનો અનુભવ ટીમ માટે મહત્વનો રહેશે. નીતા અંબાણીએ લિસા કીટલીના મુંબઈ ઈન્ડિયન્સ માટેના યોગદાન બદલ તેમનો આભાર પણ માન્યો અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.

વિલિયમ્સે કહ્યું- નવી ટીમ સાથે કામ કરવા ઉત્સાહિત

મુંબઈ ઈન્ડિયન્સના નવા હેડ કોચ લ્યુક વિલિયમ્સે કહ્યું કે તેઓ આ સફળ સંગઠન સાથે જોડાવા માટે ખૂબ ઉત્સાહિત છે. તેમણે ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને કંઈક ખાસ બનાવવાની તક હોવાનું જણાવ્યું. વિલિયમ્સે ટીમ માટે આક્રમક અને રસપ્રદ ક્રિકેટ રમવા તથા સફળતા મેળવવા માટે કામ કરવાની વાત કરી છે. તેમની સામે હવે મુંબઈ ઈન્ડિયન્સને WPLમાં ફરી ટાઈટલ સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સની WPLમાં મોટી સફળતા

મુંબઈ ઈન્ડિયન્સ WPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ટીમે અત્યાર સુધીની ચાર સીઝનમાં બે વખત ટાઈટલ જીત્યું છે. 2023ની પ્રથમ સીઝનમાં મુંબઈએ ચેમ્પિયન બન્યું હતું અને 2025માં પણ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ટાઈટલ જીત્યું હતું. હવે 2027ની સીઝન પહેલા લ્યુક વિલિયમ્સની નિમણૂક સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કોચિંગ સેટઅપમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. ટીમ પાસે હરમનપ્રીત કૌર જેવી અનુભવી કેપ્ટન અને મજબૂત ખેલાડીઓનું ગ્રુપ છે. વિલિયમ્સના અનુભવ સાથે ટીમ આગામી સીઝનમાં ફરી ટાઈટલ માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: Asian Games: મેચ હારીને પણ જાપાની બોલરોની ચર્ચા, પહેલા ભારત હવે અફઘાનિસ્તાન સામે પણ બોલિંગથી મચાવ્યો ધમાલ