IPL 2027ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આગામી સિઝન માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી છે. IPL 2026ની સિઝન બાદ ટીમના કોચિંગ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડને ટીમના નવા મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. હવે પોલાર્ડની ટીમમાં પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પા સહિત અનેક જાણીતા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે આગામી સિઝન માટે રોબિન ઉથપ્પા અને ટી. દિલીપ જેવા અનુભવી લોકોને મહત્વની જવાબદારી સોંપી છે.

રોબિન ઉથપ્પા બન્યા બેટિંગ કોચ, ટી. દિલીપને પણ મોટી જવાબદારી

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2027 માટે પોતાના નવા કોચિંગ સ્ટાફમાં અનેક અનુભવી ખેલાડીઓને સ્થાન આપ્યું છે. પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર મિચેલ મેક્લેનઘનને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત, ભારતીય ટીમના પૂર્વ ફિલ્ડિંગ કોચ ટી. દિલીપને મુંબઈ ઇન્ડિયન્સના નવા ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે. જ્યારે ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ તમામ દિગ્ગજ ખેલાડીઓ પાસે ક્રિકેટનો સારો અનુભવ છે. હવે આ નવા કોચિંગ સ્ટાફની જવાબદારી મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓની ક્ષમતાને વધુ નિખારવાની અને ટીમને ફરી એકવાર IPL ચેમ્પિયન બનાવવાની રહેશે.

https://x.com/mipaltan/status/2116035664139649237?s=20

ઉથપ્પા અને મેક્લેનઘન પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ

મુંબઈ ઇન્ડિયન્સના નવા કોચિંગ સ્ટાફમાં સામેલ તમામ સભ્યોનો ક્રિકેટ સાથે લાંબો અનુભવ રહ્યો છે. રોબિન ઉથપ્પા વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. તેમણે ભારતીય ક્રિકેટમાં પોતાની બેટિંગથી અલગ ઓળખ બનાવી હતી.બીજી તરફ, મિચેલ મેક્લેનઘન ન્યૂઝીલેન્ડ તરફથી લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. ધવલ કુલકર્ણી પણ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવી ચૂક્યા છે. જ્યારે ટી. દિલીપ ભારતીય ક્રિકેટ ટીમ સાથે લાંબા સમય સુધી ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે.આવા અનુભવી કોચિંગ સ્ટાફ સાથે કિરોન પોલાર્ડ માટે ટીમને નવી દિશા આપવાની તક રહેશે.

ત્રણ જૂના ખેલાડીઓની મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી

મુંબઈ ઇન્ડિયન્સના નવા કોચિંગ સ્ટાફની ખાસ વાત એ છે કે તેમાં સામેલ ત્રણ સભ્યો અગાઉ આ જ ફ્રેન્ચાઇઝી માટે ખેલાડી તરીકે રમી ચૂક્યા છે.રોબિન ઉથપ્પા, મિચેલ મેક્લેનઘન અને ધવલ કુલકર્ણી અગાઉ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યા છે. હવે તેઓ ખેલાડી તરીકે નહીં, પરંતુ કોચિંગ સ્ટાફના સભ્ય તરીકે ટીમમાં પાછા ફર્યા છે.બીજી તરફ, કિરોન પોલાર્ડ પોતે પણ મુંબઈ ઇન્ડિયન્સના સૌથી સફળ અને મહત્વના ખેલાડીઓમાંના એક રહ્યા છે. તેમણે લગભગ 10 વર્ષ સુધી ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

2020 બાદ પ્રથમ IPL ટ્રોફી જીતવાનો પડકાર

મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લે વર્ષ 2020માં IPLનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનવાની રાહ જોઈ રહી છે. હવે નવા મુખ્ય કોચ કિરોન પોલાર્ડ અને અનુભવી કોચિંગ સ્ટાફ સામે સૌથી મોટો પડકાર ટીમને ફરી વિજેતા બનાવવાનો રહેશે.હવે જોવાનું એ રહેશે કે નવા કોચિંગ સ્ટાફ સાથે મુંબઈ ઇન્ડિયન્સ IPL 2027માં કેવું પ્રદર્શન કરે છે અને શું પોલાર્ડ પોતાની નવી ભૂમિકામાં ટીમને ફરી ચેમ્પિયન બનાવી શકે છે.

આ પણ વાંચો - Rashid Khanએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનારો પ્રથમ ખેલાડી બન્યો!