IPLની સૌથી સફળ ટીમોમાં સ્થાન ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે જૂની પ્રતિષ્ઠા જાળવવા કરતાં તેને ફરી સાબિત કરવાનો પડકાર છે. પાંચ વખત ટ્રોફી જીતનારી આ ટીમ 2020 પછી એકપણ વખત ચેમ્પિયન બની શકી નથી. સતત બદલાતા પરિણામો અને કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો વચ્ચે ટીમે IPL 2027 માટે નવી તૈયારી શરૂ કરી છે. આ વખતે બેટિંગ કોચની જવાબદારી સંભાળનારા પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ટીમની સ્થિતિ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેમના મતે મુંબઈ હવે અંડરડોગ તરીકે મેદાનમાં ઉતરશે અને ચાહકોનો વિશ્વાસ ફરી જીતવા માટે ટીમે ઘણું કામ કરવું પડશે. 

2027માં નવી શરૂઆત કરશે મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલાં પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર કર્યા છે. કિરોન પોલાર્ડને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે રોબિન ઉથપ્પાને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. મિચેલ મેક્લેનઘન બોલિંગ કોચ, ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ અને ધવલ કુલકર્ણી ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાયા છે. ઉથપ્પાએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ નવી શરૂઆત છે. ટીમે ફરી પોતાની ક્ષમતા સાબિત કરવાની સાથે ચાહકોનો વિશ્વાસ પણ જીતવો પડશે. તેમના મતે અંડરડોગ તરીકે રમવું ટીમ માટે પડકાર પણ છે અને પોતાની ઓળખ ફરી ઊભી કરવાની તક પણ છે.

ખેલાડીઓ સાથે કામ કરવાની ઉથપ્પાની રીત

ઉથપ્પાએ કહ્યું કે મોટા ખેલાડીઓને પણ મેદાનમાં ઉતરતાં પહેલાં સ્પષ્ટતા અને યોગ્ય તૈયારીની જરૂર હોય છે. કોચ તરીકે તેમની ભૂમિકા ખેલાડીઓને દરેક રીતે તૈયાર રાખવાની રહેશે. તેમણે કહ્યું કે કોઈ ખેલાડી કેટલો પણ મોટો હોય, ક્રિકેટથી મોટું કોઈ નથી. દરેક ખેલાડીએ રમતને શીખનારની જેમ જોવી જોઈએ. કોચે ખેલાડીઓ પર પોતાની વિચારસરણી લાદવાને બદલે તેમની જરૂરિયાત સમજવી જોઈએ. ઉથપ્પાના મતે કોચનું કામ ખેલાડીને આત્મવિશ્વાસ આપવાનું, તેની તૈયારીમાં મદદ કરવાનું અને ટીમના લક્ષ્ય સાથે તેને જોડવાનું છે. ઘણી વખત માત્ર ખેલાડીની વાત સાંભળવા માટે ઉપલબ્ધ રહેવું પણ મોટી મદદ બની શકે છે.

ટીમમાં પ્રતિભાની કમી નથી

મુંબઈની વર્તમાન ટીમ અંગે ઉથપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમના મતે ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ પોતાની ક્ષમતા પ્રમાણે રમે તો શાનદાર પ્રદર્શન કરી શકે છે. યોગ્ય વાતાવરણ અને ખેલાડીઓ સાથેની ચર્ચા દ્વારા તેમની પાસેથી વધુ સારું પ્રદર્શન મેળવી શકાય છે. આગામી હરાજી અંગે પણ તેમણે સંકેત આપ્યો હતો. ઉથપ્પાના જણાવ્યા મુજબ, ટીમ પાસે પહેલેથી જ પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ હરાજીમાં કયા વિકલ્પો ઉપલબ્ધ થાય છે તે પણ જોવું પડશે. 

ઉથપ્પા માટે પણ અણધારી હતી આ તક

ઉથપ્પાએ જણાવ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ બનવાની તક તેમના માટે અણધારી હતી. જોકે, તેઓ લાંબા સમયથી કોઈ IPL ફ્રેન્ચાઇઝી સાથે કામ કરવાની તકની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ દુબઈમાં રહીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને વ્યક્તિગત રીતે બેટિંગની તાલીમ આપી રહ્યા હતા.

ઉથપ્પા IPLમાં 205 મેચ રમી ચૂક્યા છે. તેમણે છ અલગ-અલગ ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે 2012માં તથા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે 2021માં IPL ટ્રોફી જીતી છે. હવે મુંબઈ સાથે કોચ તરીકેની નવી ઇનિંગમાં તેમની સામે ટીમને ફરી વિજેતા બનાવવામાં મદદ કરવાનો પડકાર રહેશે.

આ પણ વાંચો: પેટ કમિન્સ IPL 2027માં રમશે કે નહીં ? SRHના સાથી ખેલાડીએ આપ્યું મોટું અપડેટ