વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પંજાબના ઓલરાઉન્ડર નમન ધીરને ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. મેચ પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે નમનને વનડે ડેબ્યૂ કેપ આપી હતી અને તેમને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા.જોકે, ડેબ્યૂ મેચમાં નમન સાથે મેદાન પર એવી ઘટના બની, જેના કારણે તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટની રાહ વધી ગઈ. નમને વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલને ક્લીન બોલ્ડ કર્યો હતો, પરંતુ તેમ છતાં તેમને વિકેટ મળી નહોતી
નમને બોલ્ડ કર્યો, છતાં કેમ્પબેલ નોટઆઉટ
વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગની 12મી ઓવરમાં નમન ધીરને બોલિંગ સોંપવામાં આવી હતી. નમને પ્રથમ 3 બોલમાં માત્ર 1 રન આપ્યો હતો. ત્યારબાદ ચોથા બોલ પર તેમણે જોન કેમ્પબેલને સીધો બોલ્ડ કરી દીધો.તે સમયે કેમ્પબેલ 33 બોલમાં 39 રન બનાવીને શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. નમનને લાગ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના પ્રથમ જ ઓવરમાં તેમણે વિકેટ મેળવી લીધી છે. ટીમના ખેલાડીઓ પણ વિકેટની ઉજવણી કરવા લાગ્યા હતા.પરંતુ થોડી જ ક્ષણોમાં સમગ્ર મામલો બદલાઈ ગયો.
ટુવાલ બન્યો નમનની વિકેટનો વિલન
નમન જ્યારે બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનો ટુવાલ મેદાન પર પડી ગયો હતો. કેમ્પબેલે બોલ ફેંકાય તે પહેલાં જ ટુવાલ પડેલો જોઈ લીધો હતો અને બેટિંગ કરવા માટે પાછળ હટી ગયા હતા.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેદાનના અમ્પાયરે બોલને ડેડ બોલ જાહેર કર્યો હતો. એટલે કે નમને ફેંકેલો બોલ ગણવામાં આવ્યો નહોતો અને કેમ્પબેલને આઉટ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા.આ રીતે નમન ધીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના પ્રથમ જ ઓવરમાં વિકેટ મેળવી હોવા છતાં સત્તાવાર રીતે તેમની વિકેટ નોંધાઈ નહોતી. ડેબ્યૂ મેચમાં જ બનેલી આ ઘટના નમન માટે ચોક્કસપણે યાદગાર બની ગઈ.નમને આ મેચમાં કુલ 5 ઓવર બોલિંગ કરીને 33 રન આપ્યા, પરંતુ તેમને એક પણ વિકેટ મળી નહોતી.
https://x.com/crictalk7/status/2104142577834586242?s=20
ભારત સામે 296 રનનું લક્ષ્ય
મેચની વાત કરીએ તો ભારતીય ટીમને પ્રથમ વનડે જીતવા માટે 296 રનનું લક્ષ્ય મળ્યું હતું. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવ્યા હતા.વેસ્ટ ઈન્ડિઝ માટે જસ્ટિન ગ્રીવ્સે શાનદાર સદી ફટકારી હતી. તેમણે 108 બોલમાં 101 રન બનાવ્યા હતા, જેમાં 12 ચોગ્ગા સામેલ હતા. જોન કેમ્પબેલે 62 રન બનાવ્યા હતા, જ્યારે આમિર જાંગૂએ અણનમ 58 રનની ઇનિંગ રમી હતી.ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાને 2 વિકેટ મળી હતી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો - Kuldeep Yadavની ઐતિહાસિક સિદ્ધિ,આ મામલે 9મો ભારતીય ખેલાડી બન્યો