ક્રિકેટ જગતમાં કેટલાક એવા રેકોર્ડ હોય છે જે સમયની સાથે અમર થઈ જાય છે. આવો જ એક અકલ્પનીય રેકોર્ડ ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાનીના નામે નોંધાયેલો છે. માત્ર 19 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકનારા હિરવાનીએ પોતાની પહેલી જ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના મજબૂત બેટિંગ ક્રમને ધ્વસ્ત કરીને 16 વિકેટ ઝડપી હતી. જાન્યુઆરી 1988માં બનેલો આ વર્લ્ડ રેકોર્ડ આજે આશરે 38 વર્ષ વીતી જવા છતાં અકબંધ છે અને કોઈ પણ બોલર તેના આ કીર્તિમાનની આસપાસ પણ પહોંચી શક્યો નથી.
જન્મદિવસે વિશેષ: ડેબ્યૂ ટેસ્ટમાં જ મચાવી દીધી હતી આખા વિશ્વમાં ધમાલ
18 ઓક્ટોબર 1968ના રોજ જન્મેલા નરેન્દ્ર હિરવાનીએ જાન્યુઆરી 1988માં ચેન્નાઈ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એ જમાનામાં વિન્ડીઝની ટીમ વિશ્વની સૌથી ખતરનાક અને મજબૂત ટીમ ગણાતી હતી. પરંતુ, 19 વર્ષના આ યુવા સ્પિનર સામે વિન્ડીઝના દિગ્ગજ બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. હિરવાનીએ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 61 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આ જાદુઈ પ્રદર્શન બીજી ઇનિંગમાં પણ ચાલુ રહ્યું અને તેમણે 75 રન આપીને ફરીથી 8 વિકેટ પોતાના નામે કરી લીધી. આમ, આખી મેચમાં હિરવાનીએ કુલ 136 રન આપીને 16 વિકેટ ઝડપી ભારતને એક ઐતિહાસિક જીત અપાવી હતી. આ મેચમાં વિકેટકીપર કિરણ મોરેએ પણ હિરવાનીના બોલ પર 5 બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કરીને નવો ઈતિહાસ રચ્યો હતો.

વિરામ વગર સતત 59ઓવર બોલિંગ કરવાનો અનોખો કીર્તિમાન
નરેન્દ્ર હિરવાનીના નામે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર વિકેટોનો જ નહીં, પરંતુ અદ્ભુત સ્ટેમિનાનો પણ એક અનોખો રેકોર્ડ છે. વર્ષ 1990માં ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ દરમિયાન તેમણે કોઈપણ વિરામ વિના (Non-Stop) સતત ૫૯ ઓવર બોલિંગ કરી હતી. આ લાંબા સ્પેલ દરમિયાન તેમણે 18 ઓવર મેઇડન ફેંકી હતી અને 137 રન આપીને 1 વિકેટ મેળવી હતી.
શરૂઆત ધમાકેદાર, પરંતુ આંતરરાષ્ટ્રીય કરિયર રહ્યું ટૂંકું
ભારતીય પિચો પર પોતાની સ્પિનથી વિરોધીઓને નચાવનારા હિરવાની વિદેશી પરિસ્થિતિઓમાં એટલા અસરકારક સાબિત ન થઈ શક્યા. ભારતીય ઉપખંડની બહાર તેમને વિકેટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ જ ગાળામાં ભારતીય ક્રિકેટમાં મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેનો ઉદય થયો, જેના કારણે હિરવાનીને ટીમમાં નિયમિત તકો મળવાનું બંધ થઈ ગયું.
આવું રહ્યું નરેન્દ્ર હિરવાનીનું એકંદર ક્રિકેટ કરિયર
નરેન્દ્ર હિરવાનીએ 1988થી 1996 દરમિયાન ભારત માટે 17 ટેસ્ટ મેચમાં 66 વિકેટ અને 18 વનડે મેચમાં 23 વિકેટ ઝડપી હતી. ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ લાંબુ ન રમી શક્યા, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો દબદબો રહ્યો હતો. તેમણે ૧૬૭ ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 723 વિકેટ ઝડપી હતી. વર્ષ 2006માં ક્રિકેટને અલવિદા કહી તેઓ 2008માં ભારતીય ક્રિકેટની રાષ્ટ્રીય પસંદગી સમિતિ સાથે પણ જોડાયા હતા.
આ પણ વાંચો - Team Indiaમાં... વર્ષો બાદ બીજી વાર બન્યો આવો અનલકી સંયોગ!