ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંના એક એવા 2018ના સેન્ડપેપર કાંડની ચર્ચા ફરી શરૂ થઈ છે. ઉસ્માન ખ્વાજાએ પોતાના નવા પુસ્તક ‘સબર’માં દાવો કર્યો છે કે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરવાની ઘટનાની જાણ આખી ટીમને હતી. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે આ મામલે ફરી તપાસ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આ વિવાદ અંગે હજુ પણ ઘણા સવાલોના જવાબ મળ્યા નથી.
ક્લાર્કે કહ્યું, સત્ય બહાર આવવું જોઈએ
માઇકલ ક્લાર્કે રેડિયો કાર્યક્રમ ‘2DayFM’s Breakfast with Nath & Emma’માં વાત કરતાં કહ્યું કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ચાહકો હજુ આ વિવાદમાંથી બહાર આવી શક્યા નથી. તેમના મતે, તપાસ ફરી ખોલવામાં નહીં આવે અને સત્ય સામે નહીં આવે ત્યાં સુધી લોકો હકીકત પર વિશ્વાસ કરી શકશે નહીં. ક્લાર્કે કહ્યું કે 2018માં તપાસનો મોકો હતો, પરંતુ સત્ય બહાર આવ્યું નહીં. 2021માં કેમેરન બેનક્રોફ્ટની ટિપ્પણી બાદ પણ આ મામલે સ્પષ્ટતા થઈ નહોતી. હવે ખ્વાજાના ખુલાસા બાદ ફરી એક તક મળી છે. તેઓ ઇચ્છે છે કે જે પણ હકીકત હોય તે બધાની સામે આવે અને ખેલાડીઓને સાચું બોલવાની તક મળે.
ખ્વાજાના પુસ્તકથી ફરી ઊભા થયા સવાલ
ઉસ્માન ખ્વાજાએ પોતાના પુસ્તક ‘સબર’માં 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમના દાવા પ્રમાણે, બોલની સ્થિતિ બદલવા માટે સેન્ડપેપરના ઉપયોગ અંગેની ચર્ચા માત્ર બેટર્સ કે બોલર્સ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ આખી ટીમને તેની જાણ હતી. ખ્વાજાના આ ખુલાસા બાદ ડેવિડ વોર્નરે પણ તેમની વાતને સમર્થન આપ્યું છે. વોર્નરે સોશિયલ મીડિયા પર ખ્વાજાના આરોપને સંપૂર્ણ સાચા ગણાવ્યા હતા. આ નિવેદનથી જૂના વિવાદે ફરી જોર પકડ્યું છે.
બેનક્રોફ્ટની ટિપ્પણીથી પણ વધી હતી ચર્ચા
2021માં બોલ ટેમ્પરિંગ કરનાર કેમેરન બેનક્રોફ્ટને પૂછવામાં આવ્યું હતું કે શું પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને નાથન લાયન જેવા મુખ્ય બોલર્સને બોલ ટેમ્પરિંગની યોજનાની જાણ હતી? તેના જવાબમાં બેનક્રોફ્ટે કહ્યું હતું કે આ વાત તો ‘સ્વયં સ્પષ્ટ’ છે. આ ટિપ્પણી બાદ ચારેય બોલર્સે સંયુક્ત નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તેમને બોલ સાથે ગેરકાયદે રીતે બહારના પદાર્થનો ઉપયોગ કરવાની જાણ નહોતી. ક્લાર્કે હવે આ જ સવાલનો જવાબ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે એવો સવાલ પણ કર્યો કે શું આવી ઘટના કેપટાઉન ટેસ્ટ પહેલાંની મેચમાં પણ બની હતી?
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસનો ઇનકાર કર્યો
એક તરફ ક્લાર્ક ફરી તપાસની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગે સ્પષ્ટ કર્યું છે કે તપાસ ફરી શરૂ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે 2018ની તપાસના પરિણામથી સંસ્થા સંતુષ્ટ છે અને ફરી તપાસ કરવાની કોઈ મજબૂત જરૂરિયાત દેખાતી નથી.
2018માં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગનો વિવાદ સામે આવ્યો હતો. આ મામલે તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરન બેનક્રોફ્ટને સજા થઈ હતી. હવે ખ્વાજાના નવા ખુલાસા અને ક્લાર્કની માગથી આ જૂનો વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
આ પણ વાંચો: IPL 2027: હાર્દિક અને અર્શદીપની ટીમ બદલાશે, BCCIની લીલી ઝંડી મળતાં સોદો પાક્કો