અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નૂર અહમદે ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં પોતાની બોલિંગથી ધમાલ મચાવી દીધી છે.1 નવેમ્બરે શારજાહમાં રમાયેલી સિરીઝની ત્રીજી અને અંતિમ T20 મેચમાં નૂરે એવી બોલિંગ કરી કે ઝિમ્બાબ્વેની બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ ગઈ હતી. તેણે માત્ર 13 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.આ સાથે નૂરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.ખાસ વાત એ છે કે નૂર અહમદ માત્ર એક પ્રતિભાશાળી ક્રિકેટર જ નથી,પરંતુ અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર રહ્યો છે. તે 10મા ધોરણમાં પોતાની શાળામાં ટોપર હતો.એક સમયે તેના પિતા તેને ક્રિકેટ રમવાને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા કહેતા હતા. જોકે, આજે તેમનો દીકરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે.

નૂર અહમદની ઘાતક બોલિંગ, 13 રનમાં ઝડપી 5 વિકેટ

અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઈ હતી. આ સિરીઝની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદે શાનદાર પ્રદર્શન કર્યું હતું.શારજાહમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જોકે, નૂર અહમદની સ્પિન બોલિંગ સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. આખી ટીમ માત્ર 14.3 ઓવરમાં 79 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.નૂરે પોતાની 3.3 ઓવરમાં માત્ર 13 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નૂરની આ પ્રથમ પાંચ વિકેટની સિદ્ધિ હતી. તેના આ પ્રદર્શનથી અફઘાનિસ્તાનને મેચમાં મજબૂત સ્થિતિ મળી હતી.

https://x.com/ACBofficials/status/2116920170169942136?a=J-bDRJE0o6a3c1tjmyQ&s=20


અફઘાનિસ્તાને 8.1 ઓવરમાં મેચ જીતી

ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 79 રનમાં ઓલઆઉટ થયા બાદ અફઘાનિસ્તાન સામે 80 રનનો લક્ષ્યાંક હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ આ નાનકડા લક્ષ્યાંકનો સરળતાથી પીછો કર્યો હતો.અફઘાનિસ્તાને માત્ર 8.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 80 રન બનાવી લીધા હતા અને મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે અફઘાનિસ્તાને 3 મેચની T20 સિરીઝમાં ઝિમ્બાબ્વેનો 3-0થી સફાયો કર્યો હતો.

10મા ધોરણમાં હતો સ્કૂલ ટોપર, પિતાને નહોતું પસંદ કે દીકરો ક્રિકેટર બને

નૂર અહમદની સફળતા પાછળ એક રસપ્રદ કહાની પણ છે. આજે તેના પિતા મોહમ્મદ આમિર દીકરાની દરેક મેચ જોવાનું પસંદ કરે છે, પરંતુ શરૂઆતમાં તેઓ નૂરને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા દેવા માગતા નહોતા.નૂર અહમદ જ્યારે 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે પ્રોફેશનલ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. નૂર અભ્યાસમાં શરૂઆતથી જ હોશિયાર હતો અને 10મા ધોરણમાં પોતાની શાળામાં ટોપર પણ રહ્યો હતો.તેની શૈક્ષણિક ક્ષમતા જોઈને તેના પિતા ઈચ્છતા હતા કે દીકરો અભ્યાસ ચાલુ રાખે અને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પાછળ ન દોડે. તેમને ચિંતા હતી કે નૂર ક્રિકેટમાં ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકશે કે નહીં.

આ પણ વાંચો - Team Indiaને મોટો ઝટકો, ઋષભ પંત સતત ત્રીજી મેચમાંથી બહાર!