વનડે ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ એટલે કે ODI વર્લ્ડ કપ 2027ને લઈને મહત્વપૂર્ણ તારીખ સામે આવી છે.આગામી વર્ષે યોજાનારા આ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત 1 ઓક્ટોબરે કરવામાં આવશે.ICC અને ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા કેપટાઉનમાં એક ખાસ કાર્યક્રમ દરમિયાન ટૂર્નામેન્ટના સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર,1 ઓક્ટોબરે કેપટાઉનમાં ICC અને CSA મળીને વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલનું એલાન કરશે.આ કાર્યક્રમ વર્લ્ડ કપ શરૂ થવાના લગભગ એક વર્ષ પહેલાં યોજાશે.આ જ દિવસે વર્લ્ડ કપની ટિકિટ માટે બેલેટ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.એટલે ચાહકો 1 ઓક્ટોબરથી સીધી ટિકિટ ખરીદી શકશે નહીં, પરંતુ ટિકિટ મેળવવા માટે પહેલાં બેલેટ પ્રક્રિયામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે ટિકિટ ફાળવવામાં આવશે.
3 દેશોમાં રમાશે વર્લ્ડ કપ
ODI વર્લ્ડ કપ 2027નું આયોજન દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામિબિયામાં કરવામાં આવશે.ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થવાની શક્યતા છે,જ્યારે ફાઇનલ મુકાબલો 21 નવેમ્બરે રમાઈ શકે છે.એટલે ક્રિકેટ ચાહકોને લગભગ દોઢ મહિના સુધી વનડે ક્રિકેટનો રોમાંચ જોવા મળશે.
14 ટીમો વચ્ચે થશે ટક્કર
આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે.જેમાંથી 10 ટીમોની સ્થિતિ 30 સપ્ટેમ્બર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.મેજબાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને સીધો પ્રવેશ મળશે.જ્યારે અન્ય ટીમોમાંથી 8 ટીમો ICCની વનડે રેન્કિંગના આધારે ક્વોલિફાય થશે.હાલની સ્થિતિ પ્રમાણે ભારત, ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન,ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ રેન્કિંગના આધારે સ્થાન મેળવવાની સ્થિતિમાં છે.
https://x.com/ImTanujSingh/status/2104623299062116732?s=20
4 ટીમો ક્વોલિફાયર થશે
મેજબાન દેશોને સીધો પ્રવેશ મળવાને કારણે રેન્કિંગમાં 9મા સ્થાને રહેલી બાંગ્લાદેશની ટીમને પણ સીધી ક્વોલિફિકેશન મળશે.બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ સહિત અન્ય ટીમોએ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટનો રસ્તો પસાર કરવો પડશે.કુલ 4 ટીમો ક્વોલિફાયર દ્વારા મુખ્ય ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે.શેડ્યૂલ જાહેર થશે ત્યારે આ ટીમોને અસ્થાયી રીતે ક્વોલિફાયર 1, ક્વોલિફાયર 2,ક્વોલિફાયર 3 અને ક્વોલિફાયર 4 તરીકે દર્શાવવામાં આવશે.
વર્લ્ડ કપનું ફોર્મેટ પણ અલગ હશે
2027નો ODI વર્લ્ડ કપ અગાઉની આવૃત્તિઓ કરતાં અલગ ફોર્મેટમાં રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ પહેલાં ટૂર્નામેન્ટને 3 તબક્કામાં વહેંચવામાં આવશે.પ્રથમ તબક્કામાં ક્વોલિફાય થયેલી 14 ટીમોમાંથી સૌથી નીચી રેન્ક ધરાવતી 3 ટીમો વચ્ચે સુપર સિરીઝ રમાશે. ત્રણેય ટીમો રાઉન્ડ-રોબિન પદ્ધતિથી રમશે અને પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ આગળના તબક્કામાં જશે.બીજા તબક્કામાં 12 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.દરેક ગ્રુપમાં 6 ટીમો હશે.આ તબક્કામાં કુલ 30 મેચ રમાશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમો આગળ વધશે. આ ઉપરાંત બંને ગ્રુપમાં બાકીની ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 1 ટીમને પણ સુપર-7માં સ્થાન મળશે.
સુપર-7 બાદ સેમિફાઇનલ
સુપર-7 તબક્કામાં કુલ 21 મેચ રમાશે.તમામ ટીમો રાઉન્ડ-રોબિન પદ્ધતિથી એકબીજા સામે રમશે.પોઇન્ટ ટેબલની ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.પહેલા સ્થાને રહેલી ટીમનો મુકાબલો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાનની ટીમો બીજા સેમિફાઇનલમાં ટકરાશે.બંને સેમિફાઇનલના વિજેતાઓ ફાઇનલમાં વર્લ્ડ કપની ટ્રોફી માટે આમને-સામને આવશે.
આ પણ વાંચો - WPL 2027 : ઓક્શન પહેલા રિટેન્શન લિસ્ટ જાહેર, જાણો કઈ ટીમે કોને કર્યો રીલીઝ
