આગામી ODI વર્લ્ડ કપમાં ક્રિકેટ ચાહકોને એક નવું અને રસપ્રદ ફોર્મેટ જોવા મળશે.ICCએ 2027ના વર્લ્ડ કપ માટે 14 ટીમો અને ત્રણ તબક્કાવાળું નવું માળખું જાહેર કર્યું છે.ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં રમાશે અને 2 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઇનલ 21 નવેમ્બરે રમાશે આ વખતે વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે.શરૂઆતમાં ત્રણ સૌથી નીચી રેન્કવાળી ક્વોલિફાયર ટીમો વચ્ચે સુપર સિરીઝ રમાશે.ત્યારબાદ વિજેતા ટીમ મુખ્ય ગ્રુપ સ્ટેજમાં પ્રવેશ કરશે.ગ્રુપ સ્ટેજમાં 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.

ગ્રુપ સ્ટેજમાં 2 ગ્રુપ, 6-6 ટીમો

ગ્રુપ Aમાં ભારત,ઓસ્ટ્રેલિયા,પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર A છે. ગ્રુપ Bમાં ન્યૂઝીલેન્ડ,દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર Bને સ્થાન આપવામાં આવ્યું છે. દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની 5 ટીમો સામે એક-એક મેચ રમશે. ગ્રુપ સ્ટેજ પૂરો થયા બાદ બંને ગ્રુપની ટોચની 3-3 ટીમો સીધી સુપર-7માં પ્રવેશ કરશે. પરંતુ અહીં સૌથી રસપ્રદ બાબત 7મી ટીમને લઈને છે.

સુપર-7ની 7મી ટીમ કેવી રીતે નક્કી થશે?

ICCના નવા નિયમ મુજબ બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે સરખામણી કરવામાં આવશે. બંનેમાંથી જે ટીમનું પ્રદર્શન વધુ સારું હશે, તે સુપર-7માં 7મી ટીમ તરીકે સ્થાન મેળવશે. એટલે કે માત્ર પોતાના ગ્રુપમાં ચોથા સ્થાને રહેવું પૂરતું નથી; બંને ગ્રુપની ચોથી ટીમોમાંથી શ્રેષ્ઠ ટીમ આગળ વધશે.આ કારણે ગ્રુપ સ્ટેજની દરેક મેચનું મહત્વ વધી જશે. કોઈ ટીમ ટોચની 3માં ન પહોંચી શકે તો પણ તેની પાસે સુપર-7માં પહોંચવાની તક રહેશે, જો તે બીજા ગ્રુપની ચોથી ટીમ કરતાં વધુ સારું પ્રદર્શન કરે.

ફૂટબોલ વર્લ્ડ કપ સાથે શું સામ્ય છે?

આ પદ્ધતિને ફૂટબોલ વર્લ્ડ કપના કેટલાક ક્વોલિફિકેશન માળખા સાથે સરખાવી શકાય છે,જ્યાં અલગ-અલગ ગ્રુપમાંથી ટીમોની સ્થિતિની તુલના કરીને આગળની રાઉન્ડ માટે વધારાની ટીમો પસંદ કરવામાં આવે છે.જોકે ક્રિકેટમાં ICCએ પોતાની રીતે ગ્રુપની ચોથી ટીમોમાંથી શ્રેષ્ઠ ટીમને સુપર-7માં મોકલવાનો નિયમ બનાવ્યો છે. આથી ક્રિકેટ વર્લ્ડ કપમાં પહેલી વખત ગ્રુપની બહારની સરખામણીનું મહત્વ વધશે.

સુપર-7માં શું થશે?

સુપર-7 તબક્કામાં કુલ 7 ટીમો રહેશે. આ તબક્કો સિંગલ રાઉન્ડ-રોબિન પદ્ધતિથી રમાશે. એટલે દરેક ટીમ બાકીની 6 ટીમો સામે એક-એક મેચ રમશે. આમ સુપર-7માં કુલ 21 મેચ રમાશે અને દરેક ટીમને 6 મેચ મળશે.સુપર-7માં ગ્રુપ સ્ટેજના પોઈન્ટ આગળ લઈ જવામાં આવશે નહીં. તમામ ટીમો શૂન્યથી શરૂઆત કરશે. સુપર-7ની મેચો 25 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2027 વચ્ચે રમાશે.સુપર-7ના અંતે પોઈન્ટ્સ ટેબલમાં ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. પ્રથમ સ્થાને રહેલી ટીમનો સામનો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો બીજી સેમિફાઇનલમાં ટકરાશે. ત્યારબાદ બંને સેમિફાઇનલના વિજેતાઓ 21 નવેમ્બરે ફાઇનલમાં રમશે

ભારત કયા ગ્રુપમાં છે?

ભારતને ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે.ભારત સાથે આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર A રહેશે.ભારત 7 ઓક્ટોબરે કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે, જ્યારે 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં ભારત-પાકિસ્તાન મુકાબલો રમાશે.આ નવા ફોર્મેટમાં ગ્રુપ સ્ટેજથી લઈને સુપર-7 સુધી દરેક મેચનું મહત્વ રહેશે. ખાસ કરીને ચોથા સ્થાને રહેલી ટીમો માટે છેલ્લી મેચ સુધી સ્પર્ધા જીવંત રહેવાની શક્યતા રહેશે

આ પણ વાંચો - Ishan Kishanએ તોડયો વિરાટ કોહલીનો T20I રેકોર્ડ! હવે સૂર્યકુમાર યાદવના રેકોર્ડ પર નજર