IPL 2027ની 20મી સિઝન શરૂ થાય તે પહેલાં પંજાબ કિંગ્સે પોતાની ટીમના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેને પંજાબ કિંગ્સના નવા બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેઓ હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જેમ્સ હોપ્સનું સ્થાન લેશે. આ નવી જવાબદારીમાં તેઓ પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે મળીને કામ કરશે.

પારસ મ્હામ્બ્રેએ પૂર્ણ કરી તમામ ઔપચારિકતાઓ

મીડિયા રિપોર્ટ અનુસાર પારસ મ્હામ્બ્રેએ પંજાબ કિંગ્સ સાથે જોડાવાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. તેઓ આગામી IPL સિઝન પહેલાં ટીમના ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે.ખાસ વાત એ છે કે પારસ મ્હામ્બ્રે અને રિકી પોન્ટિંગ અગાઉ પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે બંને ફરી એકવાર એક જ ટીમના કોચિંગ સ્ટાફમાં જોવા મળશે.મીડિયા રિપોર્ટ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સે થોડા દિવસ પહેલાં જ પારસ મ્હામ્બ્રેને પોતાના કોચિંગ સ્ટાફમાંથી અલગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પંજાબ કિંગ્સે તેમને પોતાની ટીમ સાથે જોડ્યા છે.

પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર

IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સ પોતાના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરી રહી છે. જેમ્સ હોપ્સ ઉપરાંત ટીમના ફિલ્ડિંગ કોચ બ્રેડ હેડિન પણ ફ્રેન્ચાઇઝીથી અલગ થઈ ચૂક્યા છે.આ ઉપરાંત ગત સિઝન પૂર્ણ થયા બાદ સાઈરાજ બહુતુલેએ પણ પંજાબ કિંગ્સનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ તેમને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના સ્પિન બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી.આ ફેરફારો વચ્ચે પારસ મ્હામ્બ્રેની એન્ટ્રીથી પંજાબની બોલિંગને નવી દિશા આપવાનો પ્રયાસ થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા

પારસ મ્હામ્બ્રે પાસે કોચિંગનો લાંબો અનુભવ છે. તેઓ 2022થી 2024 સુધી ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન તેઓ રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા હતા.તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય બોલરોએ અનેક મહત્વપૂર્ણ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સફળતામાં ભારતીય બોલિંગ વિભાગનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું.વર્લ્ડ કપ બાદ પારસ મ્હામ્બ્રે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા. હાલમાં તેઓ દુબઈમાં યોજાતી ILT20 લીગમાં MI એમિરેટ્સના બોલિંગ કોચ તરીકે કામ કરી રહ્યા છે.

IPL 2026માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન કેવું રહ્યું?

પંજાબ કિંગ્સ માટે IPL 2026ની સિઝન ખાસ સફળ રહી નહોતી. ટીમે 14 મેચમાંથી 7માં જીત મેળવી હતી, જ્યારે 6 મેચમાં હારનો સામનો કર્યો હતો. પંજાબ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહી હતી.હવે નવા કોચિંગ સ્ટાફ સાથે પંજાબ કિંગ્સ આગામી સિઝનમાં વધુ મજબૂત પ્રદર્શન કરવા ઇચ્છશે. રિકી પોન્ટિંગ અને પારસ મ્હામ્બ્રેની જોડી ટીમને કેટલો ફાયદો કરાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે. ફ્રેન્ચાઇઝીની નજર આગામી સિઝનમાં પ્રથમ IPL ખિતાબ જીતવા પર રહેશે.

આ પણ વાંચો- Jasprit Bumrahનો ડબલ એટેક: 'લાથમ' બંને ઇનિંગમાં શૂન્ય પર આઉટ, 29 વર્ષ બાદ બન્યું આવું!