IPL 2027ની શરૂઆત પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને તેના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ આગામી સિઝનમાં ફરી એકવાર ઓરેન્જ આર્મીની જર્સીમાં જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરે IPL 2027માં રમવા અંગે સકારાત્મક સંકેત આપ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, પેટ કમિન્સે સનરાઇઝર્સ હૈદરાબાદના એક વરિષ્ઠ સભ્યને આગામી સિઝનમાં ટીમ સાથે જોડાવાનો ભરોસો આપ્યો છે. જોકે, તેઓ આખી ટુર્નામેન્ટ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. શક્યતા છે કે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે તેઓ સિઝનની કેટલીક મહત્વની મેચોમાં જ ટીમ માટે ઉપલબ્ધ રહે.

કમિન્સે પોતે રમવાની આપી ખાતરી

છેલ્લા કેટલાક સમયથી પેટ કમિન્સ IPL 2027માં રમશે કે નહીં તેને લઈને ચર્ચા ચાલી રહી હતી. તેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શેડ્યૂલ છે. આ સ્થિતિમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટન પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો અને તેમને ટીમમાંથી રિલીઝ કર્યા નહોતા.અહેવાલ પ્રમાણે, UAEમાં રમાઈ રહેલી ILT20 ટુર્નામેન્ટ દરમિયાન SRHના એક વરિષ્ઠ ખેલાડીએ કમિન્સ સાથે તેમની IPL ઉપલબ્ધતા અંગે વાત કરી હતી. આ દરમિયાન કમિન્સે આગામી સિઝનમાં ટીમ સાથે જોડાવાની ખાતરી આપી હતી. જો તેઓ આખી સિઝન માટે સમય ન કાઢી શકે તો પણ થોડા સમય માટે ટીમ સાથે જોડાવા તૈયાર હોવાનું જણાવાયું છે.

IPL 2026માં પણ અધૂરી રહી હતી કમિન્સની સફર

પેટ કમિન્સની ઉપલબ્ધતાને લઈને અગાઉ પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુશ્કેલી ઊભી થઈ હતી. IPL 2026માં તેઓ ટુર્નામેન્ટની શરૂઆતથી ટીમ સાથે જોડાઈ શક્યા નહોતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી મોડેથી મંજૂરી મળવાને કારણે તેઓ સિઝનના બીજા ભાગમાં ટીમમાં પાછા ફર્યા હતા.અહેવાલ પ્રમાણે, કમિન્સે તે સિઝનમાં કુલ 8 મેચ રમી હતી. તેમની ગેરહાજરીમાં વિકેટકીપર બેટર ઈશાન કિશને સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપ સંભાળી હતી.

ઓસ્ટ્રેલિયાનું ટેસ્ટ શેડ્યૂલ સૌથી મોટો પડકાર

કમિન્સની આખી IPL સિઝન રમવાની સંભાવના ઓછી હોવા પાછળ ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત ટેસ્ટ શેડ્યૂલ મુખ્ય કારણ માનવામાં આવે છે. IPL 2027 પહેલાં ઓસ્ટ્રેલિયાને અનેક મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ રમવાની છે.આ કાર્યક્રમમાં ભારત સામે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રમાનારી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને જૂનથી ઓગસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણીનો સમાવેશ થાય છે.સતત ક્રિકેટ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ IPLથી દૂર રહેવાનો નિર્ણય લઈ રહ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતો જોવા મળી શકે છે.આવી સ્થિતિમાં પેટ કમિન્સનું IPL 2027માં રમવા માટે સકારાત્મક વલણ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મહત્વપૂર્ણ છે. જોકે, તેઓ કેટલી મેચમાં ઉપલબ્ધ રહેશે તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

આ પણ વાંચો- Test Cricket Record : 149 વર્ષમાં કોઈ ટીમ ન કરી શકી એવું કામ, વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ