ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં 8 વર્ષ જૂનો સેન્ડપેપરગેટ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં વર્ષ 2018ના બોલ ટેમ્પરિંગ વિવાદને લઈને ચોંકાવનારા દાવા કર્યા છે. જોકે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કમિન્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખ્વાજાના આરોપો 100 ટકા ખોટા છે અને તેમાં કોઈ સત્ય નથી.

ઉસ્માન ખ્વાજાએ શું કર્યો મોટો દાવો?

ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદનો ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે મેદાન પર સેન્ડપેપરનો ઉપયોગ થવાનો છે તેની જાણ ઓસ્ટ્રેલિયાની આખી ટીમને હતી.ખ્વાજાના આ દાવાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી વિવાદ ઊભો કર્યો છે. ખાસ કરીને તે સમયે ટીમનો ભાગ રહેલા ખેલાડીઓની ભૂમિકા અંગે ફરી સવાલો ઊઠવા લાગ્યા છે.

પેટ કમિન્સે ખ્વાજાના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

પેટ કમિન્સે પત્રકાર પરિષદમાં ખ્વાજાના દાવાઓને સીધા નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે મેદાન પર સેન્ડપેપર લઈ જવાની વાત આખી ટીમને ખબર હતી તે કહેવું સંપૂર્ણપણે ખોટું છે.કમિન્સે જણાવ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નહોતી અને છેલ્લા 8 વર્ષથી તેઓ સતત આ જ વાત કહી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે ખ્વાજાએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ અને અન્ય ખેલાડીઓએ સાથે મળીને આ યોજના બનાવી હતી. કમિન્સે આ આરોપને સંપૂર્ણપણે ખોટો અને બકવાસ ગણાવ્યો હતો.

ખ્વાજાના ખુલાસાથી કમિન્સ પણ ચોંકી ગયા

પેટ કમિન્સે જણાવ્યું કે આ અઠવાડિયે તેમને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે જાણવા મળ્યું કે ખ્વાજાએ પોતે કેમેરોન બેનક્રોફ્ટને સેન્ડપેપરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હોવાનું સ્વીકાર્યું છે.કમિન્સે કહ્યું કે તેઓ જે ઉસ્માન ખ્વાજાને ઓળખે છે, તેમનું આ વર્તન તેનાથી તદ્દન અલગ છે. છેલ્લા 8 વર્ષમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટની સંસ્કૃતિ સુધારવામાં ખ્વાજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.કમિન્સે વધુમાં જણાવ્યું કે ઉસ્માન તેમના મિત્ર રહ્યા છે, પરંતુ મિત્રોએ એકબીજાના જીવન અને પ્રતિષ્ઠા સાથે આ રીતે રમત ન કરવી જોઈએ.

'તે સમયે હું માત્ર 24 વર્ષનો હતો'

પેટ કમિન્સે વર્ષ 2018ની ઘટનાને યાદ કરતાં કહ્યું કે સેન્ડપેપરગેટ વિવાદ થયો ત્યારે તેમની ઉંમર માત્ર 24 વર્ષની હતી.તેમણે સ્પષ્ટતા કરી કે મેદાન પર સેન્ડપેપર લઈ જવામાં આવશે અથવા તેનો ઉપયોગ કરવામાં આવશે તેની તેમને કોઈ જાણકારી નહોતી.જ્યારે એક પત્રકારે કમિન્સને પૂછ્યું કે આખરે કોની વાત સાચી છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ તેમની પોતાની વાત છે અને તેમના મતે ખ્વાજા ખોટા છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઠા અંગે કમિન્સ ચિંતિત

પેટ કમિન્સે કહ્યું કે તેમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ છે અને આ રમતે તેમને ઘણું આપ્યું છે.તેમના મતે ખ્વાજાએ જે રીતે પોતાના દાવાઓ રજૂ કર્યા છે તે બેદરકારીભર્યું છે. આવા આરોપોની અસર અનેક ખેલાડીઓ અને તેમની પ્રતિષ્ઠા પર પડી શકે છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ના સેન્ડપેપરગેટ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છબીને મોટો ફટકો પડ્યો હતો. હવે 8 વર્ષ બાદ ખ્વાજાના નવા દાવા અને કમિન્સના વળતા જવાબથી આ વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ પણ વાંચો - IND vs AUS વચ્ચે 21 વર્ષ બાદ અનોખો રેકોર્ડ! 2026માં એક પણ મેચ કેમ ન રમાઈ?