ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે શ્રીલંકાને 72 રનથી હરાવીને મહિલા એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે 8મી વખત મહિલા એશિયા કપની ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો.ભારતની આ શાનદાર જીત બાદ દેશભરમાંથી ટીમને શુભેચ્છાઓ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
PM મોદીએ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ટીમની જીતને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.તેમણે સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ માટે આ ગૌરવની ક્ષણ છે.PM મોદીએ ભારતીય મહિલા ટીમના સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાનના આત્મવિશ્વાસ, સતત સારા પ્રદર્શન અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે ટીમ ઈન્ડિયાની આ જીત દેશના લાખો યુવાનોને ક્રિકેટ સહિત રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે.મહિલા ટીમે સમગ્ર એશિયા કપ દરમિયાન શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પણ ટીમે પોતાના પ્રદર્શનથી સાબિત કર્યું કે શા માટે તે એશિયન ક્રિકેટમાં સૌથી સફળ ટીમોમાંની એક છે.
https://x.com/narendramodi/status/2099324829023588599?s=20
અમિત શાહે ગણાવી મોટી ઉપલબ્ધિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતની પ્રશંસા કરી હતી. તેમણે 8મી વખત મહિલા એશિયા કપ જીતવા બદલ ટીમની ચેમ્પિયન ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.અમિત શાહે કહ્યું કે ભારતે એશિયન ક્રિકેટમાં વધુ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનથી દેશના ક્રિકેટ ચાહકોને ગર્વ થયો છે. તેમણે ટીમના પ્રદર્શનને લાખો લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.
https://x.com/AmitShah/status/2099206250382934160?s=20
ફાઇનલમાં ભારતનો દબદબો
શ્રીલંકા સામેની ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 183 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.ભારતને મજબૂત શરૂઆત અપાવવામાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની મહત્વની ભૂમિકા રહી હતી.શેફાલી વર્માએ 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે સ્મૃતિ મંધાનાએ 59 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 129 રનની મોટી ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.184 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહોતી. શ્રીલંકાની સમગ્ર ટીમ 20 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારત તરફથી શ્રી ચરાણીએ શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ પણ મહત્વની 3 વિકેટ લઈને શ્રીલંકાની બેટિંગને મોટો ફટકો આપ્યો હતો.આ રીતે ભારતે 72 રનની શાનદાર જીત સાથે મહિલા એશિયા કપ 2026 પોતાના નામે કર્યો. 8મી વખત એશિયા કપ જીત્યા બાદ ભારતીય મહિલા ટીમે ફરી એક વખત એશિયન ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. હવે આ ઐતિહાસિક જીત બદલ દેશના દિગ્ગજ નેતાઓથી લઈને ક્રિકેટ ચાહકો સુધી સૌ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો- Women’s Asia Cup 2026: ટીમ ઈન્ડિયાએ ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર, મોહસિન નકવી ફરી બન્યા ચર્ચાનું કેન્દ્ર