વિમેન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને 8મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, ભારતની શાનદાર જીત બાદ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી ટ્રોફી સેરેમની દરમિયાન એક મોટું નાટક જોવા મળ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી વિજેતા ટ્રોફી સ્વીકારી નહોતી.
હરમનપ્રીત કૌરની ટીમનો કડક નિર્ણય
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને ખેલાડીઓએ ટ્રોફી સ્વીકારવાથી અંતર જાળવ્યું. અહેવાલો મુજબ, નકવી વિજેતા ટીમને ટ્રોફી આપવાના કાર્યક્રમ માટે મંચ પર હાજર હતા, પરંતુ ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી લીધી નહોતી. આ કારણે ટ્રોફી સેરેમનીનું આયોજન પણ ચર્ચામાં આવ્યું. આ ઘટના ગયા વર્ષે યોજાયેલી પુરુષોની એશિયા કપ ફાઇનલની યાદ અપાવે છે. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. આ વખતે પણ ભારતીય ટીમે સમાન વલણ અપનાવ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતની મહિલા ટીમે મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો, પરંતુ મેચ બાદની સેરેમનીમાં ટ્રોફી ન લેવાનો નિર્ણય સૌથી વધુ ચર્ચામાં રહ્યો. ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી હતી.
