ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ બાકી છે, પરંતુ તે પહેલાં જ ટીમની પસંદગીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિડિયા રિપોર્ટ અનુસાર, ઈજાગ્રસ્ત ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.પ્રસિદ્ધ કૃષ્ણા હાલમાં હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે દરમિયાન તેમને આ ઈજા થઈ હતી. ઈજાના કારણે તેઓ મેચમાં માત્ર 5 ઓવર જ બોલિંગ કરી શક્યા હતા. ત્યારબાદ ન્યૂ ચંડીગઢમાં રમાયેલી ત્રીજી વનડેમાંથી તેમને બહાર રાખવામાં આવ્યા હતા. આ સ્થિતિ વચ્ચે પણ પ્રસિદ્ધ કૃષ્ણાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈજા છતાં કેમ મળી શકે ટીમમાં જગ્યા?
ક્રિકબઝના અહેવાલ મુજબ, પ્રસિદ્ધ કૃષ્ણા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ જતી ટીમ ઈન્ડિયાની ફ્લાઇટમાં જોવા મળી શકે છે. જોકે, તેમના પસંદગી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મિડિયા રિપોર્ટ અનુસાર પ્રસિદ્ધ કૃષ્ણાની હેમસ્ટ્રિંગની ઈજા એટલી ગંભીર નથી કે જેના કારણે તેમને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર રાખવા પડે. જોકે, અંતિમ નિર્ણય તેમના ફિટનેસ રિપોર્ટ પર નિર્ભર રહેશે.પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી પહેલાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સની મંજૂરી જરૂરી રહેશે. જો સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી તેમને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવે છે, તો પસંદગીકારો તેમને ટીમમાં સામેલ કરી શકે છે.
https://x.com/CricketCentrl/status/2106953804310847866?s=20
મુકેેશ કુમારને પણ મળી શકે છે તક
ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટેસ્ટ ટીમમાં બંગાળના ઝડપી બોલર મુકેશ કુમારને પણ સ્થાન મળવાની શક્યતા છે. મુકેેશ કુમારે ઈરાની કપમાં શાનદાર બોલિંગ કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.ઈરાની કપની બીજી ઇનિંગ્સમાં મુકેેશ કુમારે 6 વિકેટ ઝડપી હતી અને રેસ્ટ ઓફ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના આ પ્રદર્શન બાદ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં તેમની પસંદગીની શક્યતા વધી છે.મુકેશ કુમારે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે ફરી એકવાર તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન મળે તેવી ચર્ચા છે.
આકાશદીપ પણ દાવેદાર
મુકેશ કુમાર ઉપરાંત ઝડપી બોલર આકાશદીપ પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાના દાવેદારોમાં સામેલ છે.ભારતને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઝડપી અને બાઉન્સવાળી પિચોનો સામનો કરવાનો રહેશે. આવી સ્થિતિમાં પસંદગીકારો અનુભવી અને ફિટ ઝડપી બોલરોને મહત્વ આપી શકે છે.
22 ઓક્ટોબરથી શરૂ થશે પ્રવાસ
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત 22 ઓક્ટોબરથી થવાની છે. ભારતીય ટીમ ઓક્ટોબરના મધ્યમાં ન્યૂઝીલેન્ડ માટે રવાના થઈ શકે છે.આ પ્રવાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ટી20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. હવે સૌની નજર ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત અને પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ પર રહેશે.જો પ્રસિદ્ધ કૃષ્ણાને ખરેખર ટીમમાં સ્થાન મળે છે, તો ઈજા વચ્ચે તેમની પસંદગી ભારતીય ટીમની બોલિંગ માટે મહત્વપૂર્ણ નિર્ણય બની શકે છે.
આ પણ વાંચો - Craig Miles Retirement : ઇંગ્લેન્ડના સ્ટાર બોલર ક્રેગ માઇલ્સે 32 વર્ષની વયે અચાનક નિવૃત્તિ લીધી