બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન ભારતના ત્રણ દિવસના પ્રવાસે મુંબઈ પહોંચ્યાં છે. મુંબઈમાં તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંનેએ ભારતીય સંસ્કૃતિ, ક્રિકેટ અને મુંબઈના સ્થાનિક સ્વાદનો આનંદ માણ્યો હતો. જોકે, આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચા પ્રિન્સ વિલિયમના દેશી અંદાજ અને કેટ મિડલટનના સુંદર પહેરવેશની થઈ રહી છે.ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે મુંબઈના બોલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં શાહી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સચિન સાથે પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સચિન સાથે ક્રિકેટની ચર્ચા, બાળકો સાથે રમ્યા ગલી ક્રિકેટ
મુંબઈમાં સચિન તેંડુલકર સાથે મુલાકાત દરમિયાન પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને ક્રિકેટ વિશે વાતચીત કરી હતી.સચિન હાથના ઇશારાથી ક્રિકેટની કેટલીક ખાસ ક્ષણો સમજાવતા જોવા મળ્યા હતા,જ્યારે બંને શાહી મહેમાનો તેમની વાત ધ્યાનથી સાંભળતાં હતાં.આ પછી પ્રિન્સ વિલિયમે બાળકો સાથે ગલી ક્રિકેટમાં હાથ અજમાવ્યો હતો.તેમણે બેટિંગ અને બોલિંગ બંને કરી હતી. આ દરમિયાન તેમણે એક સરસ ઓન-ડ્રાઇવ શોટ પણ ફટકાર્યો હતો.સચિન તેંડુલકર પણ તેમની સાથે જોવા મળ્યા હતા.કેટ મિડલટને પણ આ પ્રવૃત્તિમાં રસ લીધો હતો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

નેહરુ જેકેટમાં પ્રિન્સ વિલિયમનો દેશી લુક
આ મુલાકાત દરમિયાન પ્રિન્સ વિલિયમના પહેરવેશની ખાસ ચર્ચા થઈ રહી છે. તેમણે હળવા વાદળી રંગનું શર્ટ પહેર્યું હતું અને તેના પર ઘેરા વાદળી રંગની નેહરુ જેકેટ પહેરી હતી. સાથે ઘેરા વાદળી રંગનું પેન્ટ અને બ્રાઉન શૂઝ પહેર્યાં હતાં.નેહરુ જેકેટને કારણે તેમના દેખાવમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. તેમનો આ લુક સાદગીભર્યો હોવા છતાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

કેટ મિડલટનનો પેસ્ટલ ગ્રીન લુક ચર્ચામાં
બીજી તરફ, કેટ મિડલટન પણ પોતાના સુંદર અને સાદગીભર્યા પહેરવેશમાં જોવા મળ્યાં હતાં. તેમણે હળવા મિન્ટ ગ્રીન રંગનું બ્લેઝર પહેર્યું હતું. તેની સાથે સફેદ ટોપ અને સફેદ રંગનું એન્કલ લેન્થ પેન્ટ પસંદ કર્યું હતું.કાળા અને બેજ રંગનાં ફ્લેટ શૂઝ સાથે તેમણે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. ઓછાં ઘરેણાં અને સાદી સ્ટાઇલમાં કેટનો દેખાવ આકર્ષક લાગતો હતો.

સચિનનો સ્માર્ટ કેઝ્યુઅલ અંદાજ
આ ખાસ મુલાકાતમાં સચિન તેંડુલકર પણ પોતાના સાદા અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ઘેરા નેવી બ્લુ રંગનું શર્ટ અને ડાર્ક ડેનિમ જીન્સ પહેર્યાં હતાં. હાથમાં ઘડિયાળ અને આંખો પર સનગ્લાસિસ સાથે તેમનો લુક પણ ધ્યાન ખેંચતો હતો.કુલ્હડમાં ચાની ચુસ્કી લઈને માણ્યો મુંબઈનો સ્વાદ ક્રિકેટની મજા માણ્યા બાદ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન સચિન તેંડુલકર સાથે ચાની એક દુકાને પહોંચ્યાં હતાં. અહીં બંનેએ માટીના કુલ્હડમાં પીરસવામાં આવેલી ચાનો સ્વાદ માણ્યો હતો. સ્થાનિક લોકો અને કલાકારો સાથે પણ તેમણે સમય વિતાવ્યો હતો.આ દરમિયાન સ્થાનિક સંગીતકારોએ પોતાની કળા રજૂ કરી હતી. તેમણે લોકપ્રિય ઇટાલિયન ગીત 'બેલા ચાઓ' પણ સંભળાવ્યું હતું. બાળકો સાથે મુલાકાત, ગલી ક્રિકેટ અને કુલ્હડની ચા સાથે મુંબઈમાં તેમનો દિવસ યાદગાર બન્યો હતો.
https://www.instagram.com/p/DfyydEHCFD4/?utm_source=ig_web_copy_link&mdxt=NTc4MTIwNjQ2YQ==
અર્થશોટ પ્રાઇઝ કાર્યક્રમ માટે ભારત પ્રવાસ
પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યાં છે. તેઓ મુંબઈમાં યોજાનારા છઠ્ઠા અર્થશોટ પ્રાઇઝ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રિન્સ વિલિયમે વર્ષ 2020માં અર્થશોટ પ્રાઇઝની શરૂઆત કરી હતી. પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવું તેનો મુખ્ય હેતુ છે.
આ પણ વનછો - SMAT 2026 : 48 બોલમાં 135 રન! રજત પાટીદારે 13 છગ્ગા ફટકારી રચ્યો ઇતિહાસ