ભારતીય ક્રિકેટના યુવા બેટ્સમેન પૃથ્વી શૉ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.અંગત જીવનમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે 26 વર્ષીય બેટ્સમેનના ક્રિકેટ કરિયરમાં એક નવો વળાંક આવ્યો છે.સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમતા પૃથ્વી શૉને આગામી રણજી ટ્રોફીના પ્રથમ મુકાબલા માટે મહારાષ્ટ્રની સિનિયર પુરુષ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.મહારાષ્ટ્રની ટીમ પોતાના રણજી ટ્રોફી અભિયાનની શરૂઆત 11 ઓક્ટોબરથી કરશે. પાલમ એ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં મહારાષ્ટ્રનો મુકાબલો સર્વિસિસ સામે થશે. આ મેચમાં પૃથ્વી શૉ કેપ્ટન તરીકે ટોસ માટે મેદાનમાં ઉતરશે.
ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં મળી મોટી જવાબદારી
પૃથ્વી શૉને મહારાષ્ટ્રની ટીમની કેપ્ટનશિપ મળવાનું મુખ્ય કારણ ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરી છે.મહારાષ્ટ્રના નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ઓસ્ટ્રેલિયા એ સામેની 3 મેચની અનૌપચારિક વનડે શ્રેણી માટે ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.આ શ્રેણીની મેચો પુડુચેરીમાં 6, 9 અને 11 ઓક્ટોબરે રમાવાની છે. 11 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા એ સામેની મેચ હોવાથી ઋતુરાજ રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં મહારાષ્ટ્ર માટે ઉપલબ્ધ નહીં હોય.યુવા ઓલરાઉન્ડર અર્શિન કુલકર્ણી પણ ઈન્ડિયા એ ટીમનો ભાગ હોવાથી સર્વિસિસ સામેની પ્રથમ મેચમાં રમી શકશે નહીં.આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે પૃથ્વી શૉને મોટી જવાબદારી સોંપી છે.
https://x.com/CricketCentrl/status/2106758147264127093?s=20
મહારાષ્ટ્ર માટે શૉનું શાનદાર પ્રદર્શન
પૃથ્વી શૉ 2025-26ની સ્થાનિક સિઝન પહેલાં મુંબઈ છોડીને મહારાષ્ટ્રની ટીમ સાથે જોડાયો હતો.મહારાષ્ટ્ર માટે પોતાની પ્રથમ સિઝનમાં જ તેણે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.પૃથ્વી શૉએ પોતાના ડેબ્યૂ સિઝનમાં 7 મેચની 11 ઇનિંગ્સમાં 537 રન બનાવ્યા હતા.આ સાથે તે તે સિઝનમાં મહારાષ્ટ્ર માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.હવે નવી સિઝનમાં તેની પાસેથી બેટિંગની સાથે કેપ્ટન તરીકે પણ મહત્વની ભૂમિકાની અપેક્ષા રહેશે. મહારાષ્ટ્રની ટીમમાં અનુભવી ખેલાડીઓ અનિહત બાવણે,વિકિ ઓસ્તવાલ,રાજવર્ધન હંગરગેકર અને મુકેશ ચૌધરી પણ સામેલ છે.
કેપ્ટન તરીકે શૉનો શાનદાર રેકોર્ડ
પૃથ્વી શૉનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ નોંધપાત્ર રહ્યો છે.2018માં તેણે ભારતીય અંડર-19 ટીમની કેપ્ટનશિપ કરી હતી અને ભારતે એક પણ મેચ હાર્યા વિના અંડર-19 વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.આ ઉપરાંત રણજી ટ્રોફી 2021-22માં પૃથ્વી શૉએ મુંબઈની કેપ્ટનશિપ કરી હતી. તેની આગેવાનીમાં મુંબઈ ફાઇનલ સુધી પહોંચ્યું હતું,જોકે અંતિમ મુકાબલામાં મધ્ય પ્રદેશ સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.પૃથ્વી શૉએ મુંબઈને વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ પણ અપાવ્યું હતું. આ સિઝનમાં તેણે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક મેચમાં અણનમ 227 રનની વિશાળ ઇનિંગ્સ સહિત કુલ 827 રન બનાવ્યા હતા.હવે પૃથ્વી શૉ પ્રથમ વખત મહારાષ્ટ્રની સિનિયર ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તેના માટે આ જવાબદારી માત્ર કેપ્ટન તરીકે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર પોતાની ઓળખ મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક પણ બની શકે છે.
આ પણ વાંચો - 6,6,6,6,6... AB ડિવિલિયર્સે WCLમાં મચાવી ધૂમ, 39 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ્સ