ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટર ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સેશનમાં પંતે પોતાની સદી પૂરી કરી હતી. તેણે 135 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ટેસ્ટ કારકિર્દીની આ તેની 9મી સદી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ સદી હતી.પંતની આ સદી માત્ર ભારત માટે મહત્વપૂર્ણ નહોતી, પરંતુ તેના કારણે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર બેટર બન્યો છે.
છગ્ગો ફટકારીને પૂરી કરી સદી, 128 રન બનાવ્યા
ઋષભ પંત જ્યારે 133 બોલમાં 95 રન પર રમી રહ્યો હતો ત્યારે તેણે પોતાના જાણીતા આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ત્યારબાદ ચોગ્ગો અને છગ્ગો ફટકારીને માત્ર 135 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.પંતની ઇનિંગનો અંત ચોથા દિવસના પ્રથમ સેશનના અંતિમ બોલ પર આવ્યો હતો. રાચિન રવિન્દ્રએ તેને આઉટ કર્યો હતો. પંતે કુલ 153 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.
https://www.instagram.com/p/DgBf8t0kn7n/?utm_source=ig_web_copy_link&knvt=NTc4MTIwNjQ2YQ==
ચારેય SENA દેશોમાં સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર
ઋષભ પંતે ન્યૂઝીલેન્ડની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે હવે ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારી છે.SENA એટલે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. પંતે આ ચારેય દેશોમાં સદી ફટકારીને સાબિત કર્યું છે કે વિદેશી પરિસ્થિતિઓમાં પણ તે કેટલી અસરકારક બેટિંગ કરી શકે છે.
- 2018 – ઇંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ સદી
- 2019 – ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી
- 2022 – દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી
- 2026 – ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સદી
ચારેય SENA દેશોમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય
ઋષભ પંત ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટર પણ બન્યો છે. આ યાદીમાં અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી અને કેએલ રાહુલ પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે.ખાસ વાત એ છે કે કેએલ રાહુલે પણ વેલિંગ્ટનમાં રમાઈ રહેલી આ જ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
ત્રણ મહત્વપૂર્ણ ભાગીદારીઓથી ભારતને મજબૂતી
પોતાની સદી દરમિયાન પંતે ભારતીય ટીમ માટે ત્રણ મહત્વપૂર્ણ ભાગીદારીઓ પણ કરી હતી. તેણે શુભમન ગિલ સાથે ચોથી વિકેટ માટે 100 રન ઉમેર્યા હતા. ત્યારબાદ અંશુલ કંબોજ સાથે પાંચમી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ધ્રુવ જુરેલ સાથે છઠ્ઠી વિકેટ માટે 75 રન જોડ્યા હતા.પંતની આ શાનદાર સદી અને મહત્વપૂર્ણ ભાગીદારીઓના કારણે ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ સામે મોટી લીડ મેળવવામાં મદદ મળી હતી. તેની આ ઇનિંગ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે યાદગાર બની રહેશે.
આ પણ વાંચો- Mumbai Indians છોડ્યા બાદ જયવર્ધનેને મળી મોટી જવાબદારી, હવે 3 ટીમોનું સંભાળશે મેનેજમેન્ટ